મુંબઇ: જાહેર ક્ષેત્રની બૅન્કોના કર્મચારીઓના પૅન્શન માટેના ફાળામાં અને ફેમિલી પૅન્શનની ટોચમર્યાદામાં વધારો કરવાની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નવા પાકની લણણી બાદ મોંઘવારીમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે સરકારી માલિકીની વીમા કંપનીઓના કર્મચારીઓને ખાનગીકરણને લગતા પગલાંથી નહીં ડરવાની સલાહ આપી હતી.
નાણાં સચિવ દેવાશિષ પાંડાએ બુધવારે જણાવ્યું હતું કે સરકારે નેશનલ પૅન્શન સિસ્ટમ (એનપીએસ) હેઠળ બૅન્કોના કર્મચારીઓના ફાળામાં ચાર ટકાનો વધારો કર્યો છે. અગાઉ એ ૧૦ ટકા હતો, પણ હવે એને વધારીને ૧૪ ટકા કરવામાં આવ્યો છે.
જાહેર ક્ષેત્રની બૅન્કોના મૃત કર્મચારીના કુટુંબને હવે કર્મચારીના છેલ્લા પગારના ૩૦ ટકા જેટલું પૅન્શન મળશે. ફેમિલી પૅન્શનની ટોચમર્યાદા અગાઉ રૂ. ૯૨૮૪ હતી અને એ હવે વધીને રૂ. ૩૦,૦૦૦થી રૂ. ૩૫,૦૦૦ સુધીની કરવામાં આવી છે. આ સાથે સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે એમણે બૅન્કોને રાજ્ય સરકારોની સાથે મળીને ‘વન ડિસ્ટ્રીક્ટ, વન ઍક્સપોર્ટ’ના એજેન્ડા પર કામ કરવાની સલાહ આપી છે. બૅન્કોને ઍક્સપોર્ટ પ્રમોશન ઍજન્સીઓ, ચૅમ્બર્સ ઑફ કૉમર્સ અને ઉદ્યોગો સાથે ચર્ચા કરીને સમયસર નિકાસ થઇ શકે એ માટે એમની જરૂરિયાત જાણવાની સલાહ પણ આપી છે. જોકે, પૂર્વોત્તરનાં રાજ્યો માટે એમણે બૅન્કોને દરેક રાજ્ય માટે અલગ યોજના ઘડવાની સલાહ પણ આપી હતી. કોવિડના રોગચાળા દરમિયાન પણ બૅન્કોની કામગિરી શ્રેષ્ઠ રહી હોવાની વાત જણાવી એમણે બૅન્ક કર્મચારીઓના વખાણ કર્યા હતા.
મુંબઇની બે દિવસની મુલાકાતે આવેલા સીતારમણે બુધવારે જાહેર ક્ષેત્રની બૅન્કોના પ્રમુખો સાથે બેઠક યોજીને નાણાંકીય કામગીરી બદલ માહિતી મેળવી હતી અને ચર્ચા કરી હતી. આ સાથે એમણે રૂપિયા છ લાખ કરોડના મોનિટાઇઝેશન કાર્યક્રમ વિશે ટીકા કરી રહેલા રાહુલ ગાંધી સહિતના નેતાઓની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે શું રાહુલ ગાંધીને આ યોજના સમજાઇ છે ખરી? કૉંગ્રેસે પણ સંપત્તિનું મોનિટાઇઝેશન કર્યું હતું, પણ એમણે જમીન અને ખાણો વેચીને કટકી લીધી હતી. આ પ્રસંગે એમણે યાદ દેવડાવ્યું હતું કે કૉંગ્રેસની સરકારે મુંબઇ-પૂણે એક્સપ્રેસવે મોનિટાઇઝ કરીને રૂ. ૮૦૦૦ કરોડ ઊભા કર્યા હતા અને ૨૦૦૮માં કૉંગ્રેસ સરકારે જ નવી દિલ્હી રેલવે સ્ટેશનને લિઝ પર આપવા માટે પ્રસ્તાવ કર્યો હતો. સીતારામને સખત શબ્દોમાં રાહુલને સવાલ કર્યા હતા કે જો રાહુલ મોનિટાઇઝેશનનો વિરોધી હોય તો પછી એણે એ વખતે નવી દિલ્હી રેલવે સ્ટેશનને લિઝ પર આપવાનો પ્રસ્તાવ શા માટે ફાડયો નહોતો? અને જો આ મોનિટાઇઝેશન છે, તો શું એમણે નવી દિલ્હી રેલવે સ્ટેશન વેચી નાંખ્યું? શું એ હવે એના જીજાજીના નામે કર્યું છે? મોનિટાઇઝેશનનો અર્થ પણ એ જાણે છે?
નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ફૂગાવામાં મોટો હિસ્સો ખાદ્ય તેલો અને કઠોળનો હોય છે અને બજારમાં એનીઉપલબ્ધતા વધારવા માટે સરકારે જકાતમાં કાપ મૂક્યો છે. પેટ્રોલના ભાવ ઘટાડવા વિશે સીતારમણે ફરીથી જણાવ્યું હતું કે એ માટે માર્ગ શોધવા રાજ્યોએ આગળ આવવું પડશે અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવું પડશે.