અમદાવાદ : GSTના અમલમાં માત્ર થોડી ચીજ અને સેવા સિવાય દરેક ઉપર ટેક્સ લાદવામાં આવેલો છે. નેગેટીવ ચીજો એટલે કે જેના ઉપર GST નથી તેની યાદી બહુ નાની છે. આવી જ રીતે, GST ભરવા માટે કેટલાક નાના વેપારીઓ (જેમનું વાર્ષિક વેચાણ રૂ.૨૦ લાખથી ઓછુ હોય) એ સિવાય બધા બંધાયેલા છે. સૌથી મહત્વનું કે જો ITC કે વેરાશાખ જોઈતી હોય તો વેચાણ કરનારે નોંધણી કરી ન હોય તો ખરીદનારે ટેક્સ ભરવો પડે છે જેને GSTમાં રિવર્સ ચાર્જ મીકેનિઝ્મ કહે છે.દેશમાં કરનો બોજ માત્ર કેટલાક લોકો કે ઉદ્યોગો ઉપર આવી પડે નહી અને કરવેરાની જાળ વધારે વ્યાપક બને એવી આશા સાથે આ ટેક્સ લાદવામાં આવ્યો હતો. સમગ્ર અર્થતંત્રમાં ઉત્પાદિત દરેક ચીજ ઉપર એક નિશ્ચિત માત્ર, દરેક વ્યવહારે ટેક્સ ભરવાનો થશે એટલે બધા લોકોએ ટેક્સ ભરવો પડશે એવી ધારણા હતી. જોકે આ ધારણા પ્રથમ પાંચ વર્ષમાં તો ખોટી પડી છે. GST કાઉન્સિલના આંકડા અનુસાર વર્ષ ૨૦૧૯-૨૦માં ૭૧,૧૫૧ જેટલી પબ્લિક લીમીટેડ કંપનીઓએ રૂ.૮,૩૫,૨૯૮ કરોડનો ટેક્સ ભર્યો હતો. GSTમાં કુલ નોંધણીની સંખ્યામાં આ પબ્લિક લીમીટેડ કંપનીઓનો હિસ્સો માત્ર ૦.૬૧ ટકા હતો પણ સરકારની કુલ કરની આવકમાં તેમનો હિસ્સો ૩૫.૨૯ ટકા હતો! વર્ષ ૨૦૨૦-૨૧માં આ કંપનીઓનો કુલ નોંધણીની સંખ્યામાં હિસ્સો ઘટી ૦.૨૫ ટકા થયો પણ કરવેરાની કુલ આવકમાં હિસ્સો ૩૫.૨૩ ટકાએ સ્થિર જ રહ્યો. આ દર્શાવે છે કે સરકારની કુલ ટેક્સની આવકમાં માત્ર ગણીગાંઠી કંપનીઓનો હિસ્સો વધારે છે. GST ગ્રાહકના સ્તરે લેવાય છે એટલે સ્વાભાવિક છે કે વેચાણ કરતા હોય એ વેપારીઓની સંખ્યા ઘણી મોટી હોવાની. દરેક ચીજ અને સેવા ઉપર ટેક્સ હોવાથી, આ ટેક્સ ગ્રાહક પાસેથી વસુલાતો હોવાથી તેની નોંધણી પણ વધવાની જ. મોટાભાગના વેપારીઓ વ્યક્તિગત માલિકીની કે ભાગીદારી પેઢી ચલાવતા હોય છે. તેમની નોંધણીમાં સંખ્યા ઘણી મોટી છે પણ સામે કરમાં આવક ઘણી ઓછી છે. ટેક્સની જાળ વ્યાપક નહી બની રહી એનું એક વધુ ઉદાહરણ છે કે GSTની નોંધણી ધરાવતો દર ચોથો કરદાતા એવો છે કે જે શૂન્ય વેચાણ દરશાવે છે. આ ઉપરાંત, કુલ નોંધાયેલા કરદાતામાંથી ૫૫ ટકા એવા છે કે જે વાર્ષિક રૂ.૨૦ લાખ કરતા ઓછું વેચાણ ધરાવે છે. દેશના ૨૫૦ લાખ કરોડના અર્થતંત્રમાં વર્ષે રૂપિયા એક કરોડથી વધારાનું વાર્ષિક વેચાણ ધરાવતા માત્ર ૨૧ ટકા જ કરદાતા છે જે દર્શાવે છે કે ભલે ટેકનોલોજી હોય, કરદાતાને ઈનપુટ ટેક્સ ક્રેડીટ માટે વેચાણ કરનારાની ઇનવોઈસ અને ટેક્સ સીસ્ટમમાં હોય આમ છતાં વ્યાપક કરચોરી થઇ રહી હશે. એવી શક્યતા પણ ખરી કે સમગ્ર વેપાર રોકડથી થઇ રહ્યો હોય જેથી કરી કર ભરવાની ઝંઝટ જ નહી!