અમદાવાદ: વેફર્સ અને પેક્ડ સ્નેક્સ બનાવતી રાજકોટની બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડ વેફર માર્કેટમાં પેપ્સિકો સહિતની મોટી બ્રાન્ડને ટક્કર આપી રહી છે અને હવે કંપની આગામી દિવસોમાં નૂડલ્સના માર્કેટમાં કિંગ ગણાતી મેગીને પણ ટક્કર આપશે. કંપનીએ જુલાઇ 2019માં ગિપ્પી બ્રાન્ડનેમ સાથે મસાલા નૂડલ્સ લોન્ચ કરી હતી અને 2 જ વર્ષમાં કંપની ભારતનાં 11 રાજ્યમાં પહોંચી છે. જોકે હજુ એનો પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ક્વોન્ટિટી ઘણી જ નાની છે, પણ આગામી વર્ષોમાં કંપની એને વધારશે.બાલાજી વેફર્સના ડિરેક્ટર કેયૂર વિરાણીએ જણાવ્યું હતું કે કોવિડની સ્થિતિમાં અમે ગિપ્પીને લઈને આગળ વધતા ન હતા, પણ હવે સ્થિતિ સુધારા પર છે, એને જોતાં આગામી દિવસોમાં ગિપ્પી બ્રાન્ડને નવેસરથી બજારમાં મૂકવા અંગે વિચારીશું. અત્યારસુધીનો અમારો અનુભવ સારો રહ્યો છે. ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તેથી નવા પ્લાન્ટની પણ વિચારણા છે. અમને આશા છે કે એમાં ગ્રોથ સારો થશે. કેયૂર વિરાણીએ જણાવ્યું હતું કે લોકો તરફથી ગિપ્પી નૂડલ્સને સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને ડિમાન્ડ 12-15% જેવી વધી રહી છે. બાલાજી વેફર્સે પોતાના રાજકોટ પ્લાન્ટમાં 2019માં નૂડલ્સ બનાવવાની શરૂઆત કરી હતી. કંપની મહિને 500 ટન નૂડલ્સનું ઉત્પાદન થઈ શકે એટલી કેપેસિટીનો પ્લાન્ટ શરૂ કર્યો હતો અને આજે 11 રાજ્યમાં એનું વેચાણ થઈ રહ્યું છે. તબક્કાવાર માગમાં વધારો થતાં આજે કેપેસિટીનું ફુલ્લી યુટિલાઈઝેશન થઈ રહ્યું છે.એક રિપોર્ટ મુજબ, ભારતના ઇન્સ્ટન્ટ નોડલ્સની માર્કેટ સાઇઝ આશારે રૂ. 10,000 કરોડ જેવી છે અને દર વર્ષે એમાં 18%ના દરે ગ્રોથ થઈ રહ્યો છે. 2035 સુધીમાં નૂડલ્સ માર્કેટ રૂ. 21,000 કરોડને પાર કરી જશે એવું જાણકારો માને છે. ઇન્સ્ટન્ટ નૂડલ્સ માર્કેટમાં 60%થી વધુ શેર નેસ્લેની મેગી બ્રાન્ડનો છે અને ત્યાર બાદ ITC સનફિસ્ટ યિપ્પી નૂડલ્સનો છે. આ ઉપરાંત હિન્દુસ્તાન યુનિલિવરના નોર સુપઈ નૂડલ્સ પણ માર્કેટમાં પોપ્યુલર છે.કેયૂર વિરાણીએ જણાવ્યું હતું કે અત્યારે અમે જેટલું ઉત્પાદન કરીએ છીએ એટલું જ સેલ્સ થઈ જાય છે. હજુ સુધી રિટેલ કિરાણા શોપ અથવા નેઈબરહૂડ સ્ટોર્સમાં જ વેચાણ થાય છે. મોલ્સ કે હાઇપર માર્કેટમાં વેચાણ માટે મોટા પેક લાવવા પડે. આ અંગે પણ અમે પ્લાન કરી રહ્યા છીએ. માર્કેટ રિચ વધારવા મોલ્સ અને હાઇપર સ્ટોરને અનુરૂપ નૂડલ્સના મોટા પેક પણ લોન્ચ કરીશું.નેસ્લે મૂળ સ્વિટ્ઝર્લેન્ડની મલ્ટીનેશનલ કંપની છે. એની ભારતીય સબસિડિયરી નેસ્લે ઈન્ડિયાનું ટર્નઓવર 2020માં રૂ. 13,350 કરોડ હતું. એની સામે બાલાજી વેફર્સનું ટર્નઓવર રૂ. 2000 કરોડ જેટલું છે, એટલે કે નેસ્લેની તુલનાએ બાલાજી 6 ગણી નાની કંપની છે. આમ છતાં કંપની તરીકે બાલાજી તેના મલ્ટીનેશનલ હરીફોને હંફાવતી આવી છે. જાણકારોનું માનવું છે કે પ્રોડક્ટનો પ્રાઇસ કંટ્રોલ તે બાલાજીની સૌથી મોટી સ્ટ્રેન્થ છે અને એને કારણે કંપની આજે પેપ્સિકો સહિતના મોટા પ્લેયર્સને સારી ટક્કર આપી રહી છે.
રાજકોટની બાલાજી વેફર્સ હવે મેગીને ટક્કર આપશે, રૂ.10,000 કરોડના નૂડલ્સ માર્કેટમાં ધૂમ મચાવવા તૈયાર
Date: