રાજકોટમાં ગાંધીજી ભણ્યાં તે સ્કૂલમાં બન્યું 26 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ ગાંધી મ્યુઝિયમ, મોદીએ ખુલ્લું મુક્યું’તું, 3 મહિનામાં માત્ર 28 હજારની જ આવક

0
29
બાળકોની માત્ર રૂ.10 અને 18 વર્ષની ઉપરની વયની વ્યક્તિ માટે 25 રૂપિયા ફી,મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના અતથી લઇને ઇતિ સુધીના તમામ પ્રસંગો છે
બાળકોની માત્ર રૂ.10 અને 18 વર્ષની ઉપરની વયની વ્યક્તિ માટે 25 રૂપિયા ફી,મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના અતથી લઇને ઇતિ સુધીના તમામ પ્રસંગો છે

રાજકોટ: ગુજરાત અને ગાંધીજી એકબીજાને પર્યાય છે. ખાસ કરીને રાજકોટ-સૌરાષ્ટ્ર સાથે ગાંધીજીનો જન્મનો નાતો છે. પોરબંદર રહ્યાં બાદ ગાંધીજીએ રાજકોટમાં રહી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. શહેરની આલ્ફ્રેડ હાઈસ્કૂલ એટલે કે મહાત્મા ગાંધી સ્કૂલને બંધ કરી 26 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ ગાંધી મ્યુઝિયમનું સ્વરૂપ આપવામાં આવ્યું અને 30 સપ્ટેમ્બર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લુ મુક્યું હતું. પરંતુ કરૂણતા એ છે કે, આજે આ મ્યુઝિયમ ધૂળ ખાય રહ્યું છે તેવું કહેવું પણ ખોટું નથી. કોરોના ગાંધી મ્યુઝિયમને પણ અસર કરી ગયો છે. એક સમયે દેશ-વિદેશથી અને ગુજરાતના અનેક પ્રવાસીઓ આ મ્યુઝિયમ જોવા આવતા અને દર મહિને લાખોની કમાણી થતી. પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં માત્ર 28 હજારની જ આવક થતા સ્ટાફનો પગાર કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. કોર્પોરેશન આ મ્યુઝિયમ પાછળ મહિને લાખો રૂપિયા ખર્ચે છે. હાલ મહિનાની આવક માત્ર 10 હજાર રૂપિયા પણ પુરી નથી.રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે 15 ઓક્ટોબર 2019થી 31 માર્ચ 2020 સુધી 2.13 લાખની આવક થઈ હતી. બાદમાં 22 માર્ચ 2020થી 15 ઓક્ટોબર 2020 સુધી લોકડાઉનમાં મ્યુઝિયમ બંધ રહ્યું હતું. જ્યારે 1 એપ્રિલ 2021થી 1 જુલાઈ સુધીમાં માત્ર 28 હજારની જ આવક થઈ છે. જોકે મ્યુઝિયમની જાળવણીમાં સાફ-સફાઈ, અન્ય મેઈન્ટેનન્સમાં કોઈ કચાશ રાખવામાં આવી રહી નથી. કોરોનાને કારણે વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવતા ન હોવાથી તેનું પણ પ્રમાણ ઘટ્યું છે.15 ઓક્ટોબર 2020થી 31 માર્ચ 2021 સુધીમાં 1615 બાળકો અને 7874 વયસ્કે મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન માત્ર ભારત રહેલા ગણ્યાંગાઠ્યાં વિદેશીઓ આવ્યા હતા. અચાનક જ 1 એપ્રિલ 2021થી મુલાકાતીઓનો ગ્રાફ તળિયે જતો રહ્યો હતો. 1 એપ્રિલ 2021થી 1 જુલાઈ 2021ની વાત કરીએ તો આ ત્રણ મહિનામાં માત્ર 204 બાળકો અને 1061 વયસ્કે મુલાકાત લીધી હતી. જેમાં દર મહિને 10 હજારથી પણ ઓછી આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે બાળકોની ફી માત્ર રૂ.10 અને 18 વર્ષની ઉપરની વયની વ્યક્તિ માટે 25 રૂપિયા ફી રાખવામાં આવી છે. રૂ.26 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ગાંધી મ્યુઝિયમની ખાસિયત એ છે કે, તેમાં ગાંધીજીના જીવનના અતથી લઇને ઇતિ સુધીના તમામ પ્રસંગો જોવા મળે છે પણ તેનું નિરૂપણ આધુનિક રીતે ટેક્નોલોજીની મદદથી કરાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે વિશ્વકક્ષાના ગાંધી મ્યુઝિયમને ખુલ્લું મુક્યું હતું. મહાત્મા ગાંધીજીના વિદ્યાર્થીકાળના સંસ્મરણો તથા જીવનચરિત્ર બાબતે લોકોને માહિતી મળી રહે તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. જેમાં મલ્ટિમીડિયા મિનિ થિયેટર, મોશન ગ્રાફિક્સ એનિમેશન, થ્રીડી પ્રોજેક્શન, મલ્ટિપલ સ્ક્રીન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી, સર્ક્યુલર વીડિયો પ્રોજેક્શન-થ્રીડી પ્રોજેક્શન મેપિંગ ફિલ્મ, વિશાળ વીડિયો આર્ક વોલ, મોન્યુમેન્ટલ લાઇટિંગ સહિતની ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીજીના જીવનચરિત્ર સાથે સંકળાયેલી લાઇબ્રેરી, મ્યુરલ, પ્રાર્થના હોલ અને ઇન્ટરએક્ટિવ મોડ ઓફ લર્નિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે. આ ઉપરાંત સોવિનિયર શોપ, વર્કશોપ, લાઇબ્રેરી તેમજ સાત્વિક ભોજન મળી રહે તે માટે ફૂડ કોટ, વી.વી.આઈ.પી. ઓફિસ, અદ્યતન પાર્કિંગ, ટિકિટ બારી, સ્ટોરરૂમ વગેરે સુવિધા સાથે બન્યું છે.