રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી મોરચે દેશની જનતાને ઝટકો લાગ્યો છે. માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 14.55 ટકાના સ્તરે પહોંચી ગયો છે. નોંધનીય છે કે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં તેમાં 13.11ના દરથી વધારો થયો હતો.સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં જથ્થાબંધ મોંઘવારી દર અગાઉના અંદાજ કરતા વધારે રહ્યો છે. નિષ્ણાતોએ તેને વધારીને 13.30 ટકા પર રહેવાનો અંદાજ જણાવ્યો હતો. જો આપણે આંકડા પર નજર કરીએ તો દર મહિનાના આધાર પર માર્ચ મહિનામાં ખાદ્ય ચીજોનો જથ્થાબંધ મોંઘવારી દર 8.47 ટકાથી વધીને 8.71 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે ઈંધણ અને વીજળીનો જથ્થાબંધ મોંઘવારી દર ફેબ્રુઆરીમાં 31.50 ટકાથી વધીને 34.52 ટકા થયો છે.
ખાદ્ય પદાર્થોના ભાવમાં ભડકો
જથ્થાબંધ મોંઘવારી આસમાને પહોંચવા પાછળનું સૌથી મોટું કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે. ઉત્પાદિત ઉત્પાદનોનો ફુગાવાનો દર ફેબ્રુઆરીમાં 8.47 ટકા હતો, જે માર્ચમાં વધીને 8.71 ટકા થયો છે. આ ઉપરાંત પેટ્રોલિયમ અને નેચરલ ગેસના ભાવમાં વધારાને કારણે મોંઘવારી વધી છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કાચા તેલની કિંમતો સતત વધી રહી છે.
તેલ અને વીજળી ફુગાવાનાં દરમાં તીવ્ર વધારો
તેલ અને વીજળીના ફુગાવાના દરમાં પણ તીવ્ર વધારો થયો છે, જે જથ્થાબંધ ફુગાવામાં 13.15 ટકા હિસ્સો ધરાવે છે. મંત્રાલયે કહ્યું કે ઈંધણનો ફુગાવાનો દર ફેબ્રુઆરીમાં 5.68 ટકા હતો. જે માર્ચમાં જ વધીને 9.19 ટકા થઈ ગયો છે. આમાં સૌથી મોટી ભૂમિકા પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને CNG-PNG મોંઘા થવાના કારણે છે.
જથ્થાબંધ ભાવમાં કોઈ રાહત નથી, તો પછી છૂટક ભાવ કેવી રીતે નીચે આવશે
જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારોનો અર્થ એ છે કે જ્યારે ઉત્પાદનોના જથ્થાબંધ ભાવમાં કોઈ રાહત નથી, તો પછી ગ્રાહકો સુધી પહોંચતા છૂટક ભાવ કેવી રીતે નીચે આવશે. 12 એપ્રિલે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, માર્ચમાં રિટેલ મોંઘવારી દર 6.95 ટકા પર પહોંચી ગયો છે, જે 17 મહિનાની સૌથી ઊંચી સપાટી પર છે. ઉત્પાદનોની કિંમત સતત વધી રહી છે, જેનો બોજ આખરે ગ્રાહકો પર આવી રહ્યો છે અને જથ્થાબંધ મોંઘવારી સાથે રિટેલ ફુગાવાનો દર પણ વધી રહ્યો છે.