મોબિલિટી રિસોર્ટ મોટેગી (જાપાન), 09 જૂન, 2024 – 2024 એફઆઈએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપના રાઉન્ડ 3ની રેસ 2માં આજે ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઈન્ડિયા ટીમના રાઇડર્સે જાપાનમાં મોબિલિટી રિસોર્ટ મોટેગી ખાતે એપી250 ક્લાસ રેસમાં સાતત્યતા અને મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ગઇકાલે રેસ 1માં ટીમ માટે મહત્વપૂર્ણ પોઇન્ટ્સ મેળવ્યા બાદ ભારતીય રાઇડર્સ કેવિન ક્વિન્ટલ અને મોહસિન પરમ્બને આજની રેસમાં પડકારોનો સામનો કરીને દ્રઢતા જાળવી રાખી હતી પરંતુ કમનસીબે તેઓ ટીમ માટે કોઈ પોઇન્ટ્સ મેળવી શક્યા ન હતા. રેસ 2માં મોહસિન પરમ્બને પોતાની કુશળતાનો ઉપયોગ કરીને પોઝિશન મેળવી હતી. ગ્રીડમાં 20માં સ્થાનેથી શરૂઆત કરીને મોહસિને સમગ્ર રેસમાં સાતત્યતા જાળવી રાખી હતી. તેમણે પોતાના અનુભવનો અસરકારક રીતે ઉપયોગ કર્યો હતો અને તમામ આંતરરાષ્ટ્રીય રાઇડર્સમાં સ્પર્ધાત્મક રહ્યા હતા. સ્ટ્રેટેજિક મૂવ્સનો અમલ કરીને તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને 22’20.928ના ટોટલ ટાઇમ સાથે 17મું સ્થાન મેળવ્યું હતું. કમનસીબે તેઓ ટીમ માટે કોઈ પોઇન્ટ્સ મેળવી શક્યા ન હતા.
બીજી તરફ ગ્રીડમાં 18મા સ્થાનેથી શરૂઆત કરનાર યુવા પ્રતિભાશાળી રાઇડર કેવિન ક્વિન્ટલે સમગ્ર રેસમાં સ્થિરતા જાળવી રાખી હતી. પોતાની સ્થિતિસ્થાપકતા અને કુશળતા દર્શાવતા તેમણે આ રેસમાં મજબૂત સ્પર્ધા આપવાનું ચાલુ રાખ્યું હતું. જોકે તેમના મશીનમાં કેટલીક મિકેનિકલ સમસ્યાના લીધે તેમણે છઠ્ઠા લેપમાં જ ટ્રેક છોડી દેવો પડ્યો હતો. ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઈન્ડિયા રાઇડર કેવિન ક્વિન્ટલે જણાવ્યું હતું કે “આજે મેં મજબૂત શરૂઆત કરી હતી પરંતુ મારા મશીનમાં મિકેનિકલ સમસ્યાઓના લીધે મારી યોજના ઊંધી વળી હતી. ગઈકાલના પરિણામોને જોતાં મને આ રેસમાં પણ વધારાના પોઈન્ટ મેળવવાનો વિશ્વાસ હતો. કમનસીબે હું રેસ પૂરી કરવામાં અસમર્થ રહ્યો હતો. જો કે આ રાઉન્ડમાં અમને ઘણું શીખવા મળ્યું છે અને મને સપોર્ટ કરવા બદલ હું મારી ટીમ અને ટ્રેનર્સનો આભાર માનું છું. સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે હું આગામી રાઉન્ડમાં વધુ સારા પરિણામોની રાહ જોઈ રહ્યો છું.”
ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઈન્ડિયાના રાઇડર મોહસિન પરમ્બને જણાવ્યું હતું કે “આજની રેસમાં મેં સુધારો કર્યો હતો. જોકે હું ટીમ માટે સ્કોરિંગ પોઈન્ટ ચૂકી ગયો. સ્પર્ધા અઘરી હતી તેથી મેં સાતત્યપૂર્ણ રહેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જ્યારે મેં કેવિનને ટ્રેક છોડતો જોયો ત્યારે મેં પેટર્નને અનુસરી અને ભૂલો વિના રેસ પૂરી કરી. આ અનુભવે અમને ઘણું શીખવ્યું છે અને તે આગામી રાઉન્ડમાં વધુ સારા પરિણામો માટે અમારી વ્યૂહરચનાઓમાં વધારો કરશે.”