અમદાવાદ : હાલમાં ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગોધરા તાલુકાના કોટડા ગામે ચાર વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કારણે મોત થયું હતું. જ્યાર બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીના ઘરમાં સર્વે કરતાં તેના ઘરમાંથી 4 સેન્ડ ફ્લાય માખી મળી આવી હતી. જ્યારે પડોશીઓના ઘરમાંથી પણ 15 સેન્ડ ફ્લાય મળી આવી હતી. આમ કુલ મળી 19 સેન્ડ ફ્લાયને પુના ખાતેની લેબમાં રીપોર્ટ માટે મોકલી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સેન્ડ ફ્લાય કરડવાથી ચાંદીપુરા નામનો વાઈરસ ફેલાય છે. ખાસ કરીને આ વાઈરસ 14 વર્ષ સુધીના બાળકોને પોતાની ચપેટમાં લે છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ 27 કેસ નોંધાયા છે. જેમાંથી 14ના મોત થયા છે. ચાંદીપુરાના સૌથીવધુ શંકાસ્પદ કેસ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નોંધાયા છે. બન્ને જિલ્લામાં 4-4 કેસ નોંધાયા છે. ગુજરાતમાં નોંધાયેલા ચાંદીપુરાના શંકાસ્પદ 27 કેસમાંથી 24 કેસ ગુજરાત રાજ્યના છે. જ્યારે 3 કેસ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં સારવારઅર્થે આવેલ છે. ચાંદીપુરાના શંકાસ્પદ કેસ ગુજરાતના 12 જિલ્લાઓમાં નોંધાયેલા છે.