તાપી જિલ્લામાં ગુરૂવારે રાત્રેથી ભારે વરસાદ શરૂ થયો હતો. શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી એકધારો વરસાદ રહેવા સાથે વિતેલા 24 કલાકમાં ઉચ્છલમાં 8 ઇંચ, ડોલવણમાં 7 ઇંચ, સોનગઢમાં 4.5 અને વાલોડમાં 4.4 ઇંચ મળી સર્વત્ર વરસાદ પડતા નદીઓ રૌદ્ર સ્વરૂપે વહેતા જનજીવન પ્રભાવિત થયું હતુ. સોનગઢ તાલુકામાં સોનગઢ-બરડીપાડા નેશનલ હાઇવે નં.953 પર એક અને સોનગઢના આમલગૂંડીમાં સ્ટેટ હાઇવે પર એક મળી કુલ બે પુલનું ધોવાણ થવા સાથે તુટી ગયા હતા. જ્યારે પાંચ તાલુકામાં નદી-નાળા પરના 115 માર્ગો બંધ થઇ ગયા હતા.અનેક ગામોના પાણી ભરાઈ ગયા હતા. જેથી વ્યારા,વાલોડ અને ઉચ્છલ તાલુકામાં એસડીઆરએફની ટીમ દ્વારા 916 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાલોડમાં કોઝવે પરથી પગ લપસતાં 70 વર્ષની મહિલા તણાઈ હતી. શાળાઓમાં પણ રજા આપવામાં આવી હતી.
તાપી જિલ્લામાં ગુરૂવારે રાત્રે 8 વાગ્યા બાદ વ્યારા, સોનગઢ અને વાલોડ તાલુકામાં વરસાદની ધીમી ગતિએ શરૂઆત થઇ હતી. જોકે, રાત્રે 10 વાગ્યાથી વરસાદે જિલ્લામાં જોર પકડતા છેવાડાના નિઝર અને કુકરમુંડા તાલુકાને બાદ કરતા તમામ તાલુકામાં શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી ધુંઆધાર વરસાદ પડયો હતો. ઉચ્છલ તાલુકામાં રાત્રે 2 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીના 6 કલાકમાં દેમાર 8 ઇંચ, સોનગઢમાં 3.6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પણ વાંચો: ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય, 29 જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહીતો રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધીના 6 કલાકમાં ડોલવણમાં 6 ઇંચ, રાત્રે 12 થી સવારે 4 વાગ્યા સુધીના 4 કલાકમાં વાલોડમાં 3.5 અને વ્યારા તાલુકામાં 2 ઇંચ વરસાદ પડયો હતો. શુક્રવારે સાંજે 4 વાગે પુરા થતાં 24 કલાકમાં ઉચ્છલમાં 8 ઇંચ, ડોલવણમાં 7 ઇંચ, સોનગઢમાં 4.5 ઇંચ,વાલોડમાં 4.4 ઇંચ, વ્યારામાં 3.5 ઇંચ, કુકરમુંડામાં 1.6 ઇંચ તથા નિઝર તાલુકામાં 1.2 ઇંચ વરસાદી પાણી પડયું હતું, જેના કારણે વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાંખરી, મીંઢોળા અને વાલોડ તાલુકાની વાલ્મિકી નદી ગાડીતૂર બનતા કાંઠા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતુ.