2018 અને 2022 વચ્ચે સુરક્ષાદળો છોડી જનારા 50155 કર્મચારીઓમાંથી સૌથી વધુ BSF(23553) હતા અને તેના પછી CRPF(13640) અને CISF(5876) હતા
અર્ધસૈનિક દળોના જવાનોના નોકરી છોડવાના દરે ચિંતા વધારી દીધી છે. ગૃહ વિભાગ સાથે સંકળાયેલી એક સંસદીય સમિતિના રિપોર્ટમાં માહિતી મળી કે દેશના 6 અર્ધસૈનિક દળોમાંથી લગભગ 50155 કર્મચારીઓ ગત 5 વર્ષમાં નોકરી છોડી ગયા. સમિતિએ તેના રિપોર્ટમાં કહ્યું કે આ સ્તર દળોમાં કામ કરવાની સ્થિતિને પ્રભાવિત કરી શકે છે. એટલા માટે કામ કરવાની સ્થિતિમાં મહત્ત્વપૂર્ણ સુધારા માટે તાત્કાલિક ઉપાયો કરવામાં આવે.
કયા સુરક્ષાદળમાં કેટલા કર્મચારીઓએ નોકરી છોડી?
રિપોર્ટ અનુસાર 2021-22માં આસામ રાઈફલ્સ અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાદળ(CISF)માં નોકરી છોડવાના દરમાં વધારો નોંધાયો છે. બીએસએફ, સીઆરપીએફ અને આઈટીબીપીમાં આ મામલે સ્થિતિ સમાન જ જોવા મળી. આ દરમિયાન સશસ્ત્ર સરહદી દળ( SSB)મામલે ગત વર્ષના આંકડાઓની તુલનાએ ઘટાડો થયો હતો. 2018 અને 2022 વચ્ચે સુરક્ષાદળો છોડી જનારા 50155 કર્મચારીઓમાંથી સૌથી વધુ BSF(23553) હતા અને તેના પછી CRPF(13640) અને CISF(5876) હતા. 2021 અને 2022 વચ્ચે આસામ રાઈફલ્સમાં નોકરી છોડનારા સુરક્ષાકર્મીઓની સંખ્યા 123થી 557 સુધી હતી અને CISFમાં 966થી વધીને 1706 થઈ ગયા છે. જોકે એસએસબીમાં ૫૫૩થી ઘટીને 121 થઈ ગયા છે.
શું કારણ છે નોકરી છોડવાનું?
એક અધિકારીએ કહ્યું કે સુરક્ષાદળોમાં આ સમસ્યા જૂની થઈ ગઈ છે. અનેક રિપોર્ટ અને ભલામણો બાદ પણ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. જોકે જવાનોના કલ્યાણ માટે અનેક પગલાં ભરાયા છે. પણ સમયસર બઢતી ન મળવા, લાંબા સમય સુધી કઠોર તહેનાતી, કારકિર્દીની ચિંતા, સ્વાસ્થ્ય સંબંધિત કારણો કે પારિવારિક કારણોથી જવાનો વીઆરએસ કે રાજીનામુ આપી દેવા જેવા પગલાં ભરી રહ્યા છે. નામ નહીં છાપવાની શરતે કમાન્ડન્ટ સ્તરના એક અધિકારીએ કહ્યું કે જવાનોની ઓછી સંખ્યાને લીધે 100 દિવસ રજા આપવી શક્ય થતું નથી. સાથે જ રોટેશન નીતિનું કઠોરતાથી પાલન થઈ રહ્યું નથી. નીચલા સ્તરે બઢતીની ઝડપ પણ અપેક્ષાને અનુરુપ નથી. જોકે અગાઉની તુલનાએ સ્થિતિમાં સુધારો થયો છે. પહેલા એક જ પોસ્ટ પર નોકરી કર્યા બાદ પણ પ્રમોશન મળતું નહોતું.
આપઘાત પણ સમસ્યા
2018થી 2022 દરમિયાન 654 જવાનો દ્વારા આપઘાત કરી લેવાના મામલા સામે આવ્યા. સીઆરપીએફમાં 230 અને બીએસએફમાં 174 જવાનોના મોત થયા. આસામ રાઈફલ્સમાં 43 મોત થયા. ગૃહ મંત્રાલયે સંસદમાં એક જવાબમાં કહ્યું હતું કે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. તે આપઘાત રોકવા માટે યોગ્ય પગલાં સૂચવશે.
સંસદીય સમિતિએ સ્થિતિને નિયંત્રણમાં લેવા આ સૂચન કર્યા
૧. સમિતિના રિપોર્ટમાં ભલામણ કરાઇ છે કે જવાનોની પોસ્ટિંગમાં રોટેશન પોલિસીનું પાલન કરવામાં આવે. તેનાથી જવાનો વધારે સમય સુધી કઠોર પોસ્ટિંગ પર ન રહે.
૨. નોકરી છોડનારા જવાનોનું કારણ શોધવા માટે સરવે કરાવામાં આવે.
૩. કારણો જાણવા માટે યોગ્ય પગલા ભરવા સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ કે રાજીનામાના વિકલ્પ પસંદ કરનારા જવાનોના એક્ઝિટ ઈન્ટરવ્યૂ લેવામાં આવે.