ફેક ન્યૂઝ લોકતંત્ર માટે જોખમી છે જ્યારે મીડિયા ટ્રાયલનો મુદ્દો પ્રમુખ : CJI

0
9

CJI ડીવાય ચંદ્રચુડે કહ્યું કે મીડિયા ટ્રાયલના લાંબા ગાળાના પરિણામો આવી શકે

દેશને લોકતાંત્રિક બનાવવો હોય તો પ્રેસ સ્વતંત્ર રહેવું જોઈએ : CJI

ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝના જોખમો વિષે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આવા સમાચારો વિવિધ સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. આવા સમાચારો લોકતાંત્રિક મૂલ્યોને પણ જોખમમાં મૂકી શકે છે. આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે જો પ્રેસને સત્ય બોલતા અટકાવવામાં આવશે તો લોકશાહીની જીવંતતા જોખમ ઉભુ થઈ શકે છે.  આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો દેશને લોકતાંત્રિક બનાવવો હોય તો પ્રેસ સ્વતંત્ર રહેવું જોઈએ. આ ઉપરાંત તેમણે મીડિયા ટ્રાયલનો મુદ્દો પ્રમુખ હોવાનું કહ્યું હતું.

મીડિયા ટ્રાયલ મુદ્દે પણ CJI બોલ્યા

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ગઈકાલે કહ્યું હતું કે મીડિયા ટ્રાયલના લાંબા ગાળાના પરિણામો આવી શકે છે કારણ કે તે એવી ધારણા બનાવે છે જે અદાલતનો નિર્ણય આવે તે પહેલા જ લોકોની નજરમાં તે વ્યક્તિને દોષિત બનાવી દે છે. જસ્ટિસ ચંદ્રચુડે એમ પણ કહ્યું કે જવાબદાર પત્રકારત્વ સત્યના દીવાદાંડી જેવું છે જે આપણને સારી આવતીકાલનો માર્ગ બતાવી શકે છે. મીડિયા ટ્રાયલના જોખમો પર તેમણે કહ્યું આપણી સિસ્ટમમાં એક મુખ્ય મુદ્દો મીડિયા દ્વારા ટ્રાયલ છે. કોઈપણ વ્યક્તિ ત્યા સુધી નિર્દોષ છે જ્યા સુધી કોર્ટ તેને દોષિત જાહેર કરે નહીં. આ કાયદાકીય પ્રક્રિયાનું એક મહત્વપૂર્ણ પાસું છે.

પત્રકારત્વના પણ પોતાના પડકારો છે : CJI

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે હાલના સમયમાં ફેક ન્યૂઝ પ્રેસની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા માટે ગંભીર ખતરો છે. રિપોર્ટિંગની પ્રક્રિયા દરમિયાન કોઈપણ પક્ષપાત કે પૂર્વગ્રહને દૂર રાખવાની પત્રકારો તેમજ હિતધારકોની સામૂહિક જવાબદારી છે. ફેક ન્યૂઝ એક સાથે લાખો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે અને તે લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ હશે જે આપણા અસ્તિત્વનો પાયો બનાવે છે.