એજંસી, નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને આર્થિક આધારે રોજગાર અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવાના કેન્દ્ર સરકારના તાજેતરના નિર્ણય સામે સ્ટે આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું કે ૧ર૪મા બંધારણીય સુધારાનું પરીક્ષણ કરશે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક નોટિસ પણ જારી કરી છે અને તેના પર ચાર સપ્તાહની અંદર આપવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે.
ગરીબ સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાના નિર્ણય સામે હાલ તુરત સ્ટે આપવાનો ઇનકાર કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મુદ્દાને તેઓ સુપ્રીમ કોર્ટના સ્તરે ચકાસશે. સુપ્રીમ કોર્ટમાં બંધારણ સુધારા દ્વારા આર્થિક આધારે ૧૦ ટકા અનામત સામે રોક લગાવવાની દાદ માગતી એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.
આ અરજીમાં તેની સામે તત્કાળ સ્ટે આપવાની પણ માગણી કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ૧૦ ટકા અનામત અંગે સ્ટે આપવા ઇનકાર કર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે આ અરજી ગ્રાહ્ય રાખી છે અને કેન્દ્ર સરકારને નોટિસ પણ જારી કરી છે.
સુપ્રીમ કોર્ટમાં તહસીન પુનાવાલા તરફથી દાખલ કરાયેલી જનહિતની અરજીમાં એવું જણાવાયું છે કે સંવિધાનની મૂળભૂત ભાવના સાથે ચેડાં થયાં છે. તેમજ અનામતની મહત્તમ મર્યાદા પ૦ ટકા નિર્ધારિત કરવામાં આવી છે તેનું ઉલ્લંઘન થયું છે. આ કેસમાં અગાઉ પણ એક અન્ય એનજીઓ તરફથી ડો.કૌશલકાંત મિશ્રાએ અરજી દાખલ કરી હતી. પુનાવાલા તરફથી દાખલ કરવામાં આવેલ અરજીમાં ભારત સરકાર અને અન્યોને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા.
અરજીમાં જણાવાયું છે કે બંધારણના અનુચ્છેદ-૧૬માં સામાજિક પછાતતાના આધારે રિઝર્વેશન આપવાની વાત છે. કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને તેમાં આર્થિક આધારને જોડયો છે. જયારે આર્થિક આધાર પર અનામતની કોઇ જોગવાઇ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગો માટે ૧૦ ટકા અનામત જાહેર કરાયા બાદ કેન્દ્રએ આ દિશામાં વધુ એક મોટો નિર્ણય કર્યો હતો. સરકારે ૧૦ ટકા અનામતની આ વ્યવસ્થાને લાગુ પાડવા સાથે જ કેન્દ્ર દ્વારા સંચાલિત તમામ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં સીટો વધારવાનો નિર્ણય કર્યો હતો.
આ નિર્ણય હેઠળ આગામી સમયમાં આઇઆઇટી, આઇઆઇએમ, એનઆઇટી સહિત સેન્ટ્રલ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં લગભગ ત્રણ લાખ બેઠકો વધારવામાં આવશે એવું જણાવાયું હતું.