મોદીનું કિસાન કાર્ડ: કેબિનેટે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો
નવી દિલ્હી:
આગામી વર્ષે થવા જઇ રહેલી 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રએ ખરીફ પાકોનાં ટેકાનાં ભાવમાં 200 રૂપિયાનો વધારો કર્યો છે. મગની દાળની ખરીદીમાં ક્વિન્ટલે 1400 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે. સુત્રોના જણાવ્યાનુસાર ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કરવાની કેબિનેટે મંજૂરી આપી છે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં અનાજ, દાળ, સોયાબીન, મગફળી અને મકાઇ જેવા ખરીફ પાકોના ટેકાના ભાવ સુધારવા મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટના આ નિર્ણય અંગે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરાશે.
14 ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરાયો છે તે પૈકી સૌથી વધુ રાગીના ભાવમાં વધારો કરાયો છે. રાગીનો ટેકાનો ભાવ રૂ. 1,900 વધારીને રૂ.2,897 પ્રતિ ક્વિન્ટલ કરાયો છે. મકાઈના એમએસપી રૂ. 1,425 વધારીને રૂ. 1,700 કરવામાં આવ્યા છે. મગની એમેસપી રૂ. 6,975 (5,575) કરાઈ છે. અડદના ટેકાના ભાવ રૂ. 200 વધારીને રૂ.5,400થી રૂ.5,600 કર્યા છે. બાજરાની કિંમત 1,950 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સામાન્ય ગ્રેડનાં ધાન્ય પાકોની MSP 1,550 રૂપિયા પ્રતિ ક્વિંટલ હતી. આ પહેલા ટેકાનાં ભાવોમાં એક વર્ષની અંદર 155 રૂપિયાનો રેકોર્ડ વધારો 2008-2009માં યૂપીએ સરકારે કર્યો હતો. એટલે કે મોદી સરકાર દ્વારા આજે કરવામાં આવેલો ટેકાનાં ભાવોમાં વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કૃષિ મંત્રી રાધા મોહન સિંહ અને નીતિ આયોગનાં સભ્યો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ 2018-19 માટે ટેકાનાં ભાવોની જાહેરાત આજે કરવામાં આવી છે. મોદી સરકારનો આ નિર્ણય હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતનાં ઘણા રાજ્યોમાં સીધી અસર બતાવશે. આ રાજ્યોમાં ખેડૂતોની સંખ્યા વધારે છે અને લોકસભા સીટોની પણ. દેશનાં 12 કરોડ ખેડૂતોને આ નિર્ણયથી ફાયદો થશે.