છેબરડા ડુંગરમાં ગીરના સિંહો વસાવવા સરકારની તજવીજ
– વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક બાદ અપાયો નિર્દેશ
– હાલ બે સ્થળે બ્રીડીંગ સેન્ટરો,રાજકોટ ઝૂમાં સિંહોની વધી સંખ્યા પણ સિંહદર્શન સાસણ પર ભારણ ઘટાડવાની જરૂરગુજરાતના વાઈલ્ડ લાઈફ બોર્ડની મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મીટીંગ બાદ ગીરના સિંહોના રક્ષણ વગેરે માટે કરોડો રૂ।.ની યોજના તો જાહેર થઈ છે પણ દેશમાં માત્ર સૌરાષ્ટ્રમાં જ આ એશિયન સિંહો હોય સિંહના અને સિંહ જોવાના વિસ્તાર (અભ્યારણ્ય)ના સંવર્ધન માટે નક્કર પ્રયાસો બાકી છે.
ત્યારે હવે બરડાં ડુંગરમાં ગીરના સિંહોને વસાવવા ફરી સક્રિય વિચારણા હાથ ધરાયાનું બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.
ગીરમાં સિંહોના સુરક્ષિત વિસ્તાર ૧૮૦ ચો.કિ.મી. સામે બરડાં ડુંગર વિસ્તાર ૧૯૦ ચો.કિ.મી.નો છે તેમ જણાવીને બોર્ડના એડવાઈઝર ભુષણ પંડયાએ જણાવ્યું કે બરડાંમાં કેટલાક સિંહોનું સ્થળાંતર કરવા અનેક સભ્યોએ સૂચવ્યું છે અને સરકાર આ માટે હકારાત્મક છે. જો કે આ માટે બરડાં વિસ્તારમાં રહેતા માલધારીઓ હસ્તકની જમીન પણ સંપાદન કરવી પડે તેમ છે, વળી એક પડકાર એ છે કે બરડાંના માલધારીઓ સિંહોની સાથે વસવાટ કરવા ટેવાયેલા નથી.
બોર્ડના સૂત્રો અનુસાર અગાઉ બરડાં ડુંગરમાં સિંહ વસાવવા મુદ્દે વૈજ્ઞાાનિક સર્વે કરાયો હતો અને ત્યાં સિંહ માટે અનુકૂળ હવામાન જણાયું છે. જો કે ત્યાં અને વાંકાનેર પાસેના રામપરા વીડી વિસ્તારમાં સિંહો રખાયા છે પણ તે માત્ર બ્રીડીંગ સેન્ટર તરીકે રખાયા છે. ખુલ્લા જંગલમાં નથી. એમ તો રાજકોટ ઝૂમાં પણ સિંહની એક જોડી આવ્યા બાદ ૩૦થી વધુ સિંહો અહીં જન્મી ચૂક્યા છે.
બીજી તરફ સિંહદર્શન માટે દેશ-વિદેશથી લોકો આવે છે પણ સાસણ એકમાત્ર સ્થળ હોય છે જે વારંવાર પૅક થઈ જાય છે. એક બાજુ જ્યારે સરકાર પ્રવાસન માટે પ્રયાસ કરે છે ત્યારે આ સ્થિતિ નિવારવા ધારી સહિતના આસપાસ એરિયામાં ઓપન સફારી શરુ કરાવવાની જરૂર છે. સૂત્રો અનુસાર વધુ બે સ્થળે આવી સુવિધા વધારવા નિર્ણય થયો છે.
દેવળીયા અને આંબરડી પાસે સિંહદર્શનની સુવિધા છે પણ તે સિંહ જંગલમાં મુક્ત વિચરણ કરતા સિંહો નથી. રાજકોટ લાલપરી તળાવ પાસેના મનપા સંચાલિત ઝૂમાં સિંહો પાંજરા પાછળ નહીં પણ ચોતરફ ખાઈ કરીને નાના પ્લોટ પર ખુલ્લામાં રખાય છે તે રીતે આ સફારી પાર્ક ૪-૫ ચો.કિ.મી. એરિયામાં રખાય છે જ્યાં શિકારની સાથે સિંહોને તૈયાર ભોજનની પણ સુવિધા હોય છે. આમ, સરકાર આવા વધુ પાંચેક સફારી પાર્ક રાજ્યમાં કરવા માંગે છે. પરંતુ, ગીરની જેમ જમીનની હદ જોયા વગર પોતાને અનુકૂળ આવે ત્યાં આરામથી ટહેલતા સિંહોને સૌરાષ્ટ્રમાં ગીર સિવાયની બીજી જગ્યા હજુ મળી નથી.
ગીર જંગલમાં સિંહોની હિલચાલ પર નજર રાખવા અને
ગેરકાયદે લાયન શો અટકાવવા માટે ડ્રોન કેમેરાની લેવાશે મદદ
વનવિભાગ દ્વારા સાસણ અને દેવળિયા પાર્ક ખાતે નિદર્શન: એકાદ માસમાં કરાશે અમલીકરણ
વનવિભાગ જંગલમાં થતી લાયન શો સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સજ્જ થઈ રહ્યું છે. જેમાં હવે વનવિભાગ જંગલમાં થતી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ ર નજર રાખવા માટે ડ્રોન કેમેરાની મદદ લેશે અને આ ડ્રોન કેમેરાનું આજે સૌ પ્રથમવાર વનવિભાગ દ્વારા સાસણ અને દેવળિયા સફારી પાર્ક ખાતે નિદર્શન કરવામાં આળ્યું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ૨૩ સિંહોના ટપોટપ થયેલા મોત બાદ વન વિભાગ હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સિંહોની પજવણી લાયન શો સહિતની અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે મથામણ કરી રહ્યું છે જેમાં ગીરના વન વિસ્તારમાં આવેલ ૮ રેસ્કયુ સેન્ટરોને આધુનિકતાથી સજ્જ કરવામાં આવશે અને આ ઉપરાંત મહત્વનું એ છે કે વન વિભાગ હવે સૌ પ્રતમવાર જંગલ તથા જંગલની બોર્ડર પરના રેવન્યુ વિસ્તારમાં સિંહોની હિલચાલ પર લાયન શો પર, સિંહોની જવણી સહીતની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ખાસ વોચ રાખવા માટે ડ્રોન કેમેરાની મદદ લેશે અને આ ડ્રોન કેમેરાને ઓપરેટર કરવા માટે ખાસ ડ્રોન સર્વેલન્સ નામની સ્કોડ પણ બનાવવામાં આવશે.
ડ્રોન સરવેલન્સ સ્કોડ દ્વારા ગીરના તથા રેવન્યુ વિસ્તારના કે જયાં સિંહોની વધુ અવરજવર છે તેવા તમામ સેન્સેટીવ એરિયામાં ડ્રોન કેમેરા વડે વનવિભાગ દ્વારા નજર રાખવામાં આવશે ખાસ કરીને લાયન શો સિહંની પજવણી આ ઉપરાંત સિંહોની હિલચાલ પર પણ નજર રાખવામાં આવશે કારણ કે સિંહોના બીમારીથી મૃત્યુ થાય તેવા કિસ્સામા ંઅનેકવાર વનવિભાગનો સ્ટાફ સિંહોની બીમારી અંગે અજાણ હોવાની અનેક ફરિયાદો ઉઠી છે જેથી ડ્રોન કેમેરા વડે સિંહોની તંદુરસ્તી અંગે ખાસ મોનીટરીંગ કરવામાં આવસે.
હાલમા વનવિભાગ દ્વારા આ ડ્રોન કેમેરાનું પ્રાયોગિક ધોરણે આજે સવારે અધિકારીઓની હાજરીમાં સાસણ અને દેવળિયા સફારી પાર્ક ખાતે ડ્રોન કેમેરો ઉડાવી તેનું નિરીક્ષણ કરવામા આવ્યું હતું અને હાલમાં ત્રણ ડ્રોન કેમેરાઓ ખરીદવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે આ અંગે વન વિભાગના સી.સી.એફ.ડી.ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, એકાદ માસમાં જંગલમાં ડ્રોન કેમેરા નજર રાખવાનું ચાલુ કરી દેશે અને આ કેમેરાઓ ખૂબ જ આધુનિક અને નાઈટ વિઝન વાળા હોવાથી રાત્રીના સમયે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે.