અમદાવાદ: ગુજરાતમાં ખાસ કરીને મહાનગરોમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાન મકાન કે સોસાયટીના કોમન ધાબે બહારના લોકોને બોલાવીને કે ડી.જે. ના ઘોંઘાટ તેમ જ સોસિયલ ડિસ્ટન્સિંગ સાથે પંતગબાજી ન કરવાના સરકાર આદેશને પગલે ઘણાં વર્ષો બાદ પહેલીવાર અમદાવાદ સહિતના નગરોમાં લોકોએ સાયલન્ટ ઉત્તરાયણ ઊજવી હતી. જોકે પરંરાગત પીપુડા વગાડવાની સાથે કા…ઇ પો ….છે… ની કિકિયારીઓ સાથે પતંગબાજો ઉત્તરાયણ ઊજવી હતી જ્યારે સવારે ગાય પૂજન અને અને દર્શનના પરંપરાગત રીવાજોનું પાલન પણ કરવામાં આવ્યું હતુ. તેમજ લોકોએ સીંગ અને તલની ચીક્કી અને ઊંધિયા જલેબીની જયાફત પણ માણી હતી. અમદાવાદમાં પહેલીવાર અવાજ વિનાની ઉત્તરાયણ જોવા મળી હતી. વહેલી સવારથી બાળકો ધાબા પર ચડી ગયા હતા. જો કે ઠંડીની સાથે સારો પવન હોવાથી પતંગની મોજ પડી ગઈ હતી. બાળકો રંગબેરંગી ફુગ્ગા અને અલગ અલગ પીપૂડા સાથે પતંગના પેચ લડાવવા લાગ્યા હતા. જ્યારે વડીલો પણ વહેલી સવારે મંદિરોમાં દર્શન કરવા પહોંચી ગયા હતા. તેમજ ઠેર ઠેર ગાયોને પૂળો મકાઈ અને ગરીબોને દાન આપતા જોવા મળ્યા હતા. ઘણા લોકોએ બાળકોને તલ-ચીકીનું પણ વિતરણ કર્યું હતું. જ્યારે શહેરના પોળ વિસ્તારમાં કોરોના મહામારીની વચ્ચે મહેમાનો વગર ઉત્તરાયણની ઉજવણી જોવા મળી હતી. પોલીસે કેટલાક ઠેકાણે ધાબા પર પોઇન્ટ ગોઠવીને કોરોના ગાઇડ લાઇના પાલન પર નજર રાખી હતી.અમદાવાદમાં દર વર્ષે ઉત્તરાયણ પર ઘર દીઠ ૧૫-૨૦ જેટલા મિત્રો અને કુટુંબીજનો ભેગા થતા હોય છે. આ વખતે કોરોનાને કારણે પરિવાર સિવાયના લોકોને ધાબે ભેગા થવા પર પ્રતિબંધ હોવાથી શહેરીજનોએ માત્ર પરિવાર સાથે જ ઉત્તરાયણ ઊજવી હતી. શહેરના સેટેલાઈટ, વસ્ત્રાપુર, સરખેજ, રાણીપ, બોપલ, ચાંદખેડા, નારણપુરા, ઈસનપુર, નિકોલ, નરોડા, બાપુનગર, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં રહેતાં લોકો માત્ર પોતાના ટેરેસ પર જ ફેમિલી પાર્ટી અને પતંગ ઉડાવી સંતોષ માન્યો હતો.