પ્રેમ પ્રારંભમાં સ્વાર્થી હોય છે. બાળક જ્યારે માતાના ખોળામાં રમે છે અને જન્મ પછી એ પોતાના પગ પર ઊભા થવા પ્રયત્ન કરે છે ત્યારે એને પોતાને માટેનું પરિપોષણ જ માતા તરફનો પ્રેમ વધારે છે. દરેક સંતાનની કસોટી માતાપિતા પર નિર્ભરતા પૂરી થાય પછી એનો સ્નેહ કેવો રહે છે એના પર છે. માતાપિતાને તો સંતાનો વહાલા હોય છે જ અને જે રીતે બાળક નાનું હોય ત્યારે માતાપિતા પર નિર્ભર હોય છે. બાળકો મોટા થાય પછી માતાપિતા એ જ બાળકો પર નિર્ભર હોય છે, પરંતુ માતાપિતા જે આનંદથી બાળકોને નિભાવે છે એવા જ આનંદથી પોતાના માબાપને નિભાવતા હોય એવા લોકો તો ક્યાંક જ જોવા મળે.
દામ્પત્ય જીવનમાં શરૃઆત તો અનુરાગથી થાય છે. પછી ઘૂંટાયેલા કેસૂડાના રંગની જેમ એ અનુરાગ ઘટાટોપ બને છે. એના છાંયામાં જ વરસો પસાર થઈ જાય છે. પછી પ્રેમની વિશુદ્ધિ એનો રંગ બતાવે છે. જો મૂળભૂત પ્રેમમાં ઘટ હોય તો દીકરાની વહુ આવે પછીય શ્રીમતીની વાણીમાં શ્રીમાનનું વાંકદેખું વર્ણન ચાલુ જ રહે છે. પ્રેમની ઓછપ દોષદર્શન બને છે ને ભરપૂર પ્રેમમાં તો હજાર અવગુણ તણાઈ જાય છે.