આપણે ત્યાં બેટી બચાવવા માટે જ્યારથી સરકારે આગેવાની લીધી છે ત્યારથી દરેક રાજ્ય, દરેક શહેરમાં આ નારાને સાર્થક સાબિત કરવા માટે નારાઓ લાગવા માંડ્યા છે. આ નારાના સમર્થનમાં સંસ્થાઓ પણ બનવા માંડી છે તો સાથોસાથ ફૂટકણિયા કહેવાય એવા એકલદોકલ પણ નીકળી પડ્યા છે જેણે લગ્ન સુધ્ધાં ન કર્યાં હોય અને એ પછી પણ બેટી બચાવવાની આ રેસમાં તે મહાશય દોડાદોડી કરીને સમજદારી આપવાની બાંગો હાંકે છે. બહુ ગંદું કે પછી બીભત્સ કહેવાય એવું ઉદાહરણ છે, પણ આપવું જરૂરી છે એટલે અહીં એ આપવા માગું છું કે જ્યાં લાશ હોય ત્યાં શિયાળ, ગીધ અને કૂતરાઓ આવે જ એટલે એ વાતનો અફસોસ ન કરવો જોઈએ. મુદ્દો એ છે કે દીકરીઓને બચાવવાની વાત અને એ સમજદારી આપવાનું કામ કરનારાઓ કેમ એ વાત ભૂલી જાય છે કે અહીં માત્ર સ્ત્રીભૃણની સાથે વાત જોડી રાખવાને બદલે આ સુફિયાણી વાતને યોગ્ય રીતે, શુભાશય સાથે સમજવાની જરૂર છે.
બેટી બચાઓ.

બાળક તરીકે દીકરી જન્મે તો તેને બચાવો અને સાથોસાથ તમારા ઘરમાં રહેલી લક્ષ્મીરૂપી દીકરીને પણ તેના હક અને સ્વાભિમાન સાથે બચાવો એવું પણ કહેવાનો અર્થ છે. આજે બેટી બચાવવા માટે દોડી રહેલા કેટલા નરબંકાઓ એવા છે કે જે વહુ બચાવવાની વાત પણ યોગ્ય રીતે સમજી રહ્યા હોય. બેટી બચાવવાની વાતો કરનારાઓના ઘરમાં વહુની શું પરિસ્થિતિ છે એ સમજવાની કે એ જોવાની કોશિશ કેમ કોઈ નથી કરતા? તે પણ કોઈની દીકરી છે અને તે પણ પોતાના હક સાથે, પોતાના સ્વાભિમાન સાથે જીવવા માગે છે.
દહેજ ન આપવું જોઈએ અને દહેજ લેવું ન જોઈએ એવી સુફિયાણી સલાહ આપનારાઓને કેમ સમજાતું નહીં હોય કે તેના ઘરમાં આવેલી વહુ પાસેથી તેમણે ડિમાન્ડના સ્વરૂપમાં નહીં તો જરૂરિયાતના સ્વરૂપમાં જે કંઈ જોઈતું હતું એના નામે પણ લેવામાં તો આવ્યું જ છે અને આવતું જ રહે છે. શું કામ, શું કામ આ પ્રકારની માનસિકતાને બદલવાનો પ્રયાસ નથી કરવામાં આવતો? શું કામ એ સમજવામાં નથી આવતું કે બેટી બચાવોનો અર્થ માત્ર સ્ત્રીભૃણ નહીં, પણ સ્ત્રીના સ્વરૂપમાં રહેલા તમામ અવતારો છે. આ અવતારને માન આપવામાં આવે, તેની ભાવના સમજવામાં આવે અને લાગણી સાથે તેની સંવેદનાને પણ સમજવામાં આવે એ આવશ્યક છે. મને લાગે છે કે આપણે હવે દૃષ્ટિને મોટી કરવી પડશે. બોલવામાં આવેલા શબ્દને પકડીને બેસી રહેવાને બદલે ન બોલાયેલા શબ્દોના ભાવાર્થને પણ સમજવાનો પ્રયાસ કરવો પડશે.

દરેકેદરેક પુત્રવધૂ પહેલાં દીકરી જ હોય છે. જે દીકરીને બચાવવાની વાતો કરવામાં આવે છે એ જ દીકરી જ્યારે પુત્રવધૂ બને છે ત્યારે દીકરીના સ્થાનથી હટીને જાણે કે ત્રાસ આપવાનું ઇંજન બની જાય છે. આ માનસિકતા પણ કાઢવી પડશે. એક કન્યા આજીવન એક દીકરી છે, રહેશે અને રહેવાની છે. જો દીકરી બચાવવી હોય, જો દીકરીને આગળ લાવવી હોય અને જો દીકરીનું ઉત્થાન ઇચ્છતા હો તો મનથી પણ આ જ વાતને સ્વીકારો અને માથી લઈને દીકરી સુધીનાં સ્ત્રીસ્વરૂપને માન આપી તેમની ભાવનાઓને સમજો. જો દીકરીને તમે માત્ર ૧૬ વર્ષ સુધી જ દીકરીના રૂપમાં જોવાના હો તો બહેતર છે કે તમે આ સરકારી નારાની આગેવાની લેવાનું બંધ કરો અને સરકારને એનું કામ કરવા દો.