– ક્રુડના ઉત્પાદનમાં ઘટાડાની ઓપેક દેશો દ્વારા જાહેરાતથી ભાવમાં પાંચ ટકાનો ઉછાળો
– – ઉત્પાદન કાપના નિર્ણય બાદ વિશ્વબજારમાં ક્રુડના પ્રતિ બેરલ ભાવ નાયમેકસ ૭૯.૭૦ ડોલર, બ્રેન્ટ ક્રુડ ૮૪.૧૦ ડોલર
દેશમાં રિટેલ ફુગાવો સતત નિયંત્રણની બહાર રહ્યા કરે છે ત્યારે તેલ ઉત્પાદક દેશો દ્વારા ક્રુડ ઓઈલના ઉત્પાદન પર કાપ મૂકવાની આશ્ચર્યકારક જાહેરાત સાથે જ ક્રુડ તેલના વૈશ્વિક ભાવમાં સોમવારે પ્રતિ બેરલ પાંચ ડોલરથી વધુનો ભડકો થયો હતો. ભાવમાં ઉછાળાને પરિણામે દેશમાં મોંઘવારી વધુ વકરવાની સ્થિતિ ઊભી થઈ છે. ઉત્પાદન કાપના નિર્ણય બાદ વિશ્વબજારમાં ક્રુડના પ્રતિ બેરલ ભાવ નાયમેકસ ૭૯.૭૦ ડોલર, બ્રેન્ટ ક્રુડ ૮૪.૧૦ ડોલર જે ઉપરમાં ૮૬.૪૪ ડોલર જોવાયું હતું
ભારત સરકાર તથા રિઝર્વ બેન્ક એક તરફ દેશમાં ફુગાવાને કાબુમાં લેવા કમર કસી રહી છે, ત્યારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળાથી રિઝર્વ બેન્કની ગણતરીઓ ઊંધી વળવાનું જોખમ તોળાઈ રહ્યું છે. ક્રુડ તેલના ભાવમાં વધારાથી દેશમાં પેટ્રોલ – ડીઝલના ભાવ પર અસર પડે છે, જેને કારણે માલસામાન પરિવહન તથા ઉદ્યોગોના ખર્ચમાં વધારો થાય છે. ક્રુડ તેલના ભાવમાં આવી પડેલા અચાનક ઉછાળાથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ૬ માર્ચના રોજ રેપો રેટમાં વધારો કરશે તે હવે નિશ્ચિત બન્યું છે.
ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) દ્વારા ક્રુડ તેલ ઉત્પાદનમાં આવતા મહિનેથી પ્રતિ દિન ૧૧.૬૦ લાખ બેરલનો કાપ મૂકવાની આશ્ચર્યકારક જાહેરાત આવી પડતા ક્રુડ તેલના ભાવમાં રાતોરાત પાંચ ડોલરથી વધુનો અનપેક્ષિત ઉછાળો આવ્યો હતો. બજારમાં સ્થિરતા જાળવી રાખવા પૂરવઠો સ્થિર રખાશે તવી ઓપેક દેશો દ્વારા અગાઉ ખાતરી અપાઈ હતી. ઓપેકના આ નિર્ણયને અમેરિકાએ બિનસલાહભયુલેખાવ્યું હતું.
ભારત પોતાની ક્રુડ તેલની ૮૫ ટકા જરૂરિયાત આયાત મારફત પૂરી કરે છે ત્યારે ઓપેક દેશોના આ નિર્ણયે સરકાર તથા રિઝર્વ બેન્કની ચિંતામાં વધારો કરાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ફુગાવાને અંકૂશમાં લાવવા રિઝર્વ બેન્ક પ્રયત્નો કરી રહી છે, ત્યારે ઓપેકના આ નિર્ણયે નીતિવિષયકોની ચિંતા વધારી દીધી છે. આજથી શરૂ થયેલી આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠકના અંતે ૬ એપ્રિલે વ્યાજ દરમાં ફરી વધારો આવશે તે હવે નિશ્ચિત બન્યું છે.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી રિટેલ ફુગાવો સતત ૬ ટકાથી ઉપર રહ્યા કરે છે, જે રિઝર્વ બેન્કના ટાર્ગેટની બહાર છે.
ઓપેક દેશોના નિર્ણયને કારણે વિશ્વભરના દેશોમાં ફુગાવાજન્ય દબાણ ફરી ઊભું થવાની ચિંતા વધી છે. હાલની બજાર સ્થિતિમાં ઓપેક દેશોનો આ નિર્ણય બિનસલાહભર્યો છે અને અમેરિકનો માટે ગેસોલિનના ભાવ અંકૂશમાં રાખવા સરકાર ઉત્પાદકો તથા વપરાશકારો સાથે સલાહમસલત કરશે તેમ અમેરિકા દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.
વૈશ્વિક બેન્કિંગ કટોકટી બાદ ગયા મહિને ક્રુડ તેલના ભાવ ઘટી પ્રતિ બેરલ ૭૦ ડોલર જોવા મળ્યા હતા જે પંદર મહિનાની નીચી સપાટીએ હતા. પરંતુ હવે વર્ષના અંત સુધીમાં ક્રુડ તેલના ભાવ વધી પ્રતિ બેરલ ૧૦૦ ડોલર પહોંચી જવા એએનઝેડ દ્વારા વરતારો મુકાયો છે.
ઉત્પાદન કાપના નિર્ણય બાદ સોમવારે સાંજે વિશ્વબજારમાં ક્રુડ તેલના પ્રતિ બેરલ ભાવ નાયમેકસ ૭૯.૭૦ ડોલર જ્યારે બ્રેન્ટ ક્રુડ ૮૪.૧૦ ડોલર બોલાતું હતું. બ્રેન્ટ ઉપરમાં ૮૬.૪૪ ડોલર જોવાયું હતું જ્યારે નાયમેકસ ક્રુડ ઓઈલ ઊંચામાં ૮૧.૬૯ ડોલર જોવાયું હતું.
સાઉદી અરેબિયા અને રશિયા ઉપરાંત ઓપેક દેશો દ્વારા ૨૦૨૩ના અંત સુધી વીસ લાખ બેરલના કાપને જાળવી રખાશે તેવી અગાઉ અપેક્ષા રખાતી હતી.
રોયટર્સની ગણતરી પ્રમાણે, ઓપેક દેશો ઉપરાંત રશિયા તથા તેના સાથી દેશો દ્વારા નજીકના ભૂતકાળમાં મુકાયેલા કાપ મળીને કુલ કાપ પ્રતિ દિન ૩૬.૬૦ લાખ બેરલ પર પહોંચી ગયો છે, જે ક્રુડ તેલની વૈશ્વિક માગના ૩.૭૦ ટકા જેટલી થવા જાય છે.
રશિયાએ ફેબુ્રઆરીમાં પાંચ લાખ બેરલનો કાપ મૂકયો હતો તે હવે વર્ષના અંત સુધી લંબાવ્યો છે.
દેશ પ્રમાણે ક્રુડ તેલના ઉત્પાદન કાપની સ્થિતિ
(પ્રતિ દિન બેરલ્સમાં)
દેશ | કાપ |
રશિયા | ૫,૦૦,૦૦૦ |
સાઉદી અરેબિયા | ૫,૦૦,૦૦૦ |
ઈરાક | ૨,૧૧,૦૦૦ |
યુએઈ | ૧,૪૪,૦૦૦ |
કુવૈત | ૧,૨૮,૦૦૦ |
કઝાકસ્તાન | ૭૮,૦૦૦ |
અલ્જિરિયા | ૪૮,૦૦૦ |
ઓમાન | ૪૦,૦૦૦ |