અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ જોવા મળે છે પ્રાઇવેટ આર્મી
અમેરિકામાં પાંચ પ્રાઇવેટ આર્મી ગ્રુપ
રશિયાના પ્રમુખ પુતીનના શાસનના આશરે 25 વર્ષમાં વર્ષે દુનિયાએ પ્રથમ વખત બળવો જોયો છે. જેણે વ્લાદિમીર પુતિનને અંદર સુધી હલાવી દીધા છે. જોકે આ બળવાને 24 કલાકની અંદર જ દબાવી દેવામાં આવ્યો હતો પરંતુ આ બળવો કરનાર પ્રાઇવેટ આર્મી વેગનર ગ્રુપની ચર્ચા સમગ્ર દુનિયામાં હાલ થઈ રહી છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે આ પ્રાઇવેટ આર્મી શું હોય છે ? કયા કયા દેશોમાં પ્રાઇવેટ આર્મી હોય છે અને તે શું કામ કરે છે ? તેમ જ તેને કઈ રીતે રૂપિયા મળે છે.
શું હોય છે પ્રાઇવેટ આર્મી ?
અમેરિકન સંસ્થા ધ વર્લ્ડ ઓફ સ્ટેટિકસની વેબસાઈટ અનુસાર વિશ્વના આશરે 10 દેશોમાં પ્રાઇવેટ મીલેટરી કંપનીઓ છે. જેમાં મોટાભાગની કંપનીઓ સુપર પાવર દેશોમાં છે. અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પોતાના સૈન્ય અથવા જાસુસી સંસ્થાઓમાંથી નિવૃત થયેલા અધિકારીઓને ભેગા કરીને પ્રાઇવેટ આર્મી બનાવે છે. આ અધિકારીઓ જંગી રકમ લઈને અતિ ધનવાન લોકો તેમ જ મલ્ટીનેશનલ કંપનીઓના અધિકારીઓ અને તાનાશાહોને સુરક્ષા આપે છે. આ રીતે તે અબજો ડોલર રૂપિયાનો ધંધો કરે છે.
જ્યાં રેગ્યુલર આર્મી નહીં ત્યાં પ્રાઇવેટ આર્મીનો ઉપયોગ
ખાનગી સૈન્ય સમગ્ર વિશ્વમાં સેવાઓ આપે છે. તે તેવા સ્થળો પર કામ કરે છે જ્યાં રેગ્યુલર આર્મી કામ કરી શકતી નથી. એક અખબાર અનુસાર પ્રાઇવેટ આર્મીનો સૌથી મોટો ઉપયોગ 2007માં અમેરિકાએ ઇરાક યુદ્ધ દરમિયાન કર્યો હતો. આ યુદ્ધમાં પ્રાઇવેટ આર્મીના 1.80 લાખથી પણ વધુ લોકોને સરકારના સમર્થનમાં લડવા માટે મોકલ્યા હતા. બીજી તરફ ખુદ અમેરિકાના 1.60 લાખ સૈનિક જ યુદ્ધ મોરચે હતા. આ મોટાભાગની આદમી પોતાના દેશોમાં કોઈ બિઝનેસ કંપનીના નામ પર રજીસ્ટર હોય છે.ખાનગી આર્મી જ્યાં પણ ઓપરેશન કરે છે ત્યાં મોટા પાયે માનવ અધિકારોનું ઉલ્લંઘન થતું હોય છે પરંતુ તે નિર્દોષ છૂટી જતા હોય છે.બીજા શબ્દોમાં કહેવામાં આવે તો તેમના માટે નૈતિકતા અને નિયમની અસર નથી થતી તે ફક્ત પૈસા માટે જ કામ કરે છે.
અમેરિકામાં પાંચ પ્રાઇવેટ આર્મી ગ્રુપ
અમેરિકાની પાસે આશરે પાંચ પ્રાઇવેટ આર્મી ગ્રુપ છે. આ ગ્રુપોમાં 83,000 થી વધુ લડવૈયા છે. તેમાં સૌથી વધુ ખતરનાક ગ્રુપ બ્લેકવોટર છે. અમેરિકન સરકાર માટે બ્લેકવોટર અફઘાનિસ્તાન,સીરિયા, બોસ્નિયા અને વિશ્વના અન્ય યુદ્ધ ક્ષેત્રોમાં મોટા મોટા મિશનોને અંજામ આપ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ મામલે આ આર્મી દુનિયાની સૌથી એડવાન્સ પ્રાઇવેટ આર્મી છે. તેની પાસે પોતાના મિલેટ્રી એરક્રાફ્ટ, ટેક્સ,આર્ટિલરી અને યુએવી જેવા ઘાતક હથિયારો છે. તેના પર ઇરાકમાં માનવ અધિકાર ઉલ્લંઘનના ઘણા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. ઈરાકથી અમેરિકા પરત ફર્યા બાદ આ ગ્રુપના અમુક સભ્યો પર કેસ ચલાવીને જેલમાં નાખવામાં આવ્યા હતા પરંતુ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ આ ખૂંખાર અપરાધીઓને માફી આપી દીધી હતી. અમેરિકાની બીજી સૌથી મોટી પ્રાઇવેટ આર્મી છે ડાયનકોપ તેમાં આશરે 10,000 થી વધારે લડવૈયાઓ સામેલ છે આ ગ્રુપ 1946માં બનાવવામાં આવ્યું હતું જેનું વડુમથક વર્જીનિયામાં છે. આ પ્રાઇવેટ આર્મીએ એન્ટી ડ્રગ મિશન સહિત સોમાલીયા અને સુડાનમાં પણ ઘણા મોટા મિશનોને અંજામ આપ્યો છે. જોકે કોલંબિયાના બળવાખોરો સાથે યુદ્ધ લડી ત્યારે તેને વધારે પ્રસિદ્ધિ મળી હતી. આ આર્મી આફ્રિકા, પૂર્વી યુરોપ અને લેટિન અમેરિકામાં પણ સક્રિય છે આ ઉપરાંત અન્ય ત્રણ પ્રાઇવેટ આર્મી છે જેના વિશે પુરતી માહિતી નથી.
બ્રિટનમાં એરીની ઇન્ટરનેશનલ નામની ખાનગી સેના
એરિની ઇન્ટરનેશનલ બ્રિટિશ પ્રાઇવેટ આર્મી છે પરંતુ તેનું હેડક્વાર્ટર દુબઇમાં છે. આ ખાનગી આર્મી કંપનીમાં 16 હજાર સૈનિકો છે. આ સેના ખૂબ જ વ્યસ્ત હોય છે કારણ કે તેના સૈનિકો વિશ્વમાં 282 સ્થળોએ તૈનાત છે. આ સેનાનો ઉપયોગ રિપબ્લિક ઓફ કોંગોમાં લોખંડ, તેલ અને ગેસ પ્રોજેક્ટની સુરક્ષા માટે પણ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય બ્રિટનમાં એજીસ ડિફેન્સ સર્વિસ નામની ખાનગી સેના પણ છે. 5000 સૈનિકો સાથેની આ સેના અફઘાનિસ્તાન અને બહેરીનમાં ફેલાયેલી છે. આ પ્રાઈવેટ આર્મી ઈરાક અને ઓઈલ કંપનીઓની સુરક્ષા માટે પણ કામ કરે છે.
ઓસ્ટ્રેલિયા પાસે યુનિટી રિસોર્સ ગ્રુપ
ઓસ્ટ્રેલિયાની પ્રાઇવેટ આર્મી યુનિટી રિસોર્સ ગ્રુપ ખૂબ જ પ્રોફેશનલ રીતે કામ કરે છે. જેમાં વિશ્વભરમાં 1200 સૈનિકોનો સ્ટાફ છે. તેની લંડન, યુએસએ અને ઓસ્ટ્રેલિયામાં ઓફિસો છે. તેનું સૂત્ર અવિશ્વસનીય વિશ્વમાં વિશ્વસનીય ઉકેલ છે. તેની સ્થાપના વર્ષ 2000 માં કરવામાં આવી હતી. તેમની વેબસાઈટ પર એવો દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વના ઘણા દેશોની સરકાર સત્તાવાર રીતે તેમની સેવા લે છે. તેની મેનેજમેન્ટ ટીમમાં યુએસ, ઓસ્ટ્રેલિયા અને ગ્રેટ બ્રિટનની સેનામાંથી ઘણા નિવૃત્ત સૈન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. આ જૂથ બગદાદમાં ઓસ્ટ્રેલિયન દૂતાવાસની સુરક્ષા માટે તૈનાત છે. આ સેના લેબનોનમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે તૈનાત કરવામાં આવી હતી. આ સિવાય ખાનગી ઓઈલ કંપનીને બહેરીનના ક્રાઈસિસ ઝોનમાં તૈનાત કરીને મદદ કરવામાં આવી હતી. આ સિવાય તે આફ્રિકા, અમેરિકા, મધ્ય એશિયા અને યુરોપ માટે પણ કામ કરે છે.
એશિયા સિક્યુરિટી ગ્રુપ
અફઘાનિસ્તાનની ખાનગી સેના એશિયા સિક્યુરિટી ગ્રુપનું મુખ્યાલય કાબુલમાં છે. 600 સૈનિકોની આ સેનાની કમાન અગાઉ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈના સંબંધી હશમત કરઝાઈના હાથમાં હતી. અમેરિકાએ પોતાના મિશન માટે ઘણી વખત આ સેનાનો ઉપયોગ કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી સેનાએ આ સેના સાથે કરોડો ડોલરના કરાર કર્યા છે. એશિયા સિક્યુરિટી ગ્રુપમાં ભાડૂતી સૈનિકોની ભરતી અમેરિકન ડાયનાકોર્પ દ્વારા કરવામાં આવે છે. જો કે, તાલિબાનના શાસન પછી આ સેનાની ચર્ચા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.
ચીન પાસે ફ્રન્ટિયર સર્વિસ ગ્રુપ
2014માં હોંગકોંગના ખાનગી કોન્ટ્રાક્ટરોએ ફ્રન્ટિયર સર્વિસ ગ્રુપની સ્થાપના કરી. તેનો હેતુ ચીનની સરકારી કંપનીઓના અધિકારીઓને સુરક્ષા આપવાનો હતો. ચીન હાલમાં તેનો ઉપયોગ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એટલે કે BRI પ્રોજેક્ટના રક્ષણ માટે કરે છે. આ સિવાય આ કંપની એશિયા, યુરોપ અને આફ્રિકામાં ચીનના અધિકારીઓ અને કંપનીઓને સુરક્ષા પણ પૂરી પાડે છે.
ખાનગી સેનાઓનો આવક સ્ત્રોત શું ?
વેગનર જૂથ જેવા લડવૈયાઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. કેટલાક નાના છે અને કેટલાક ખૂબ મોટા છે જે પૈસા માટે વિશ્વના યુદ્ધગ્રસ્ત અને મુશ્કેલી ગ્રસ્ત દેશોમાં મિશન ચલાવી રહ્યા છે. તેમની કમાણીનો સ્ત્રોત બે રીતનો છે. યુદ્ધ ન હોય ત્યારે આ ખાનગી સેનાઓ વિશ્વભરની મોટી કંપનીઓને સુરક્ષા પૂરી પાડે છે. આ કંપનીઓ આ કામ માટે પૈસા આપે છે. બીજું, જ્યારે ક્યાંક યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે આ કંપનીઓ સરકાર વતી લડે છે અને જંગી કમાણી કરે છે. આ સિવાય આ ખાનગી કંપનીઓ પોતાના કબજા હેઠળના વિસ્તારોના સંસાધનોની લૂંટ ચલાવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે વેગનર ગ્રૂપે યુક્રેન સોલેદારને કબજે કર્યું, ત્યારે તેણે ત્યાંની મીઠાની ખાણોમાંથી ઘણો નફો મેળવ્યો. સીરિયામાં પણ જે વિસ્તારોને ખાનગી સેના પોતાના નિયંત્રણમાં લઈ રહી હતી તેને બશર અલ-અસદની સરકાર ઇનામ તરીકે તેલ અને ખાણોના લાયસન્સ આપતી હતી.