કેન્દ્રની SCમાં અરજી: અયોધ્યામાં 67 એકર બિન વિવાદિત જમીન મૂળ માલિકને પરત કરવી
નવી દિલ્હી: મોદી સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વિવાદાસ્પદ જમીનને રામજન્મભૂમિ ટ્રસ્ટને સોંપવાની માંગ કરી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું છે કે, અયોધ્યામાં વિવાદિત સ્થળે જે હિન્દુઓને જમીન આપવામાં આવી છે, તેને રામભૂમિ ટ્રસ્ટને સોંપવાની અને બિન-વિવાદીત જમીનને ભારત સરકારને સોંપવાની માંગ કરી છે. જસ્ટિસ બોબડેનાં રજા પર ઉતરવાને કારણે આજે થનારી સુનાવણી ટળી છે. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઇને કેન્દ્ર સરકારે એક મોટંુ પગલું ભર્યું છે. આ મુદ્દે એક મોટો દાવ ખેલીને કેન્દ્ર સરકારે એવી અરજી દાખલ કરી છે કે અયોધ્યામાં જે વિવાદિત સ્થળ પર હિંદુ પક્ષકારોને જે જમીન આપવામાં આવી છે તે રામજન્મભૂમિ ટ્રસ્ટને સોંપી દેવામાં આવે. સરકારે અયોધ્યા વિવાદ કેસમાં વિવાદિત જમીન છોડીને બાકીની જમીન પરત કરવાની માગણી કરી છે અને તેના પર જારી સ્ટેટસ્કો (યથાસ્થિતિ) હટાવી દેવા માગણી કરી છે.
મોદી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે અયોધ્યામાં હિંદુ પક્ષકારોને જે જમીન આપવામાં આવી છે તે રામજન્મભૂમિ ટ્રસ્ટને સોંપી દેવામાં આવે અને ર૦૭૭ એકર જમીનનો કેટલોક ભાગ ભારત સરકારને પરત કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદની આસપાસની લગભગ ૭૦ એકર જમીન કેન્દ્ર સરકાર પાસે છે, એમાંથી ર.૭૭ એકર જમીન અંગે અલ્હાબાદ હાઇકોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જે જમીન પર વિવાદ છે તે જમીન માત્ર ૦.૩૧૩ એકર જ છે. સરકારનું કહેવું છે કે આટલી જમીન છોડીને બાકીની જમીન ભારત સરકારને સોંપી દેવામાં આવે.
સરકારે એવી પણ દલીલ કરી છે કે જે જમીન પર વિવાદ નથી તે જમીન ભારત સરકારને પરત કરી દેવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સુપ્રીમ કોર્ટમાં રામમંદિર કેસની સુનાવણી થનાર હતી, પરંતુ જસ્ટિસ બોબડે રજા પર હોવાથી આજે સુનાવણી થશે નહીં.
૩૦ સપ્ટેમ્બર, ર૦૧૦ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે અયોધ્યા વિવાદને લઇને ચુકાદો સંભળાવતાં અયોધ્યામાં ર.૭૭ એકરની વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વિભાજિત કરી હતી. જે જમીન પર રામલલ્લા બિરાજમાન છે તે હિંદુ મહાસભાને, બીજો ભાગ નિર્મોહી અખાડાને અને ત્રીજો ભાગ સુન્ની વકફ બોર્ડને ફાળવવાનો આદેશ થયો હતો.
આ વિવાદમાં મુિસ્લમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીનું કહેવું હતું કે જ્યારે અયોધ્યા અધિગ્રહણ એક્ટ-૧૯૯૩માં લાવવામાં આવ્યો હતો ત્યારે આ એકટને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ત્યારે એવું જણાવ્યું હતું કે આ એકટ લાવીને દાવાનો અંત લાવવો એ ગેરબંધારણીય છે. પહેલા દાવા પર ફેંસલો મેળવે અને જમીનને કેન્દ્ર ત્યાં સુધી કસ્ટોડિયન તરીકે પોતાની પાસે રાખે.