લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઇ છે. સવારથી જ અસહ્ય તકડા સાથે બફારાનું પ્રમાણ જોવા મળતું હતું. બપોર પછી સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો. રાજકોટના અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે.જસદણ, આટકોટ પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
રાજકોટ ઉપરાંત જિલ્લામાં જસદણ અને આટકોટ પંથકમાં ધોધમાર ઝાપટું વરસી ગયું હતું. તેમજ ભાવનગર હાઇવે પર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. રાજકોટના એરપોર્ટ વિસ્તાર, રેસકોર્સ વિસ્તાર, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતોમાં પણ વરસાદ આવતા ખુશીની લાગણી જોવા મળી રહી છે.