નવી દિલ્હી: અટલ બિહારી વાજપેયી સરકારમાં સંરક્ષણ પ્રધાન રહી ચૂકેલા જ્યોર્જ ફર્નાન્ડિઝનું આજે સવારે લાંબી માંદગી બાદ ૮૮ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. ફર્નાન્ડીઝ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને અલ્ઝાઇમરથી પીડાતા હતા. તાજેતરમાં તેઓ સ્વાઇન ફલૂનો ભોગ બન્યા હતા. નાદુરસ્ત તબિયતને કારણે તેઓ છેલ્લાં કેટલાંય વર્ષોથી જાહેર જીવનથી દૂર હતા.
પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝનું ભારતીય રાજકારણમાં ઐતિહાસિક યોગદાન રહ્યું છે તે પછી સંરક્ષણ ક્ષેત્રમાં લેવામાં આવેલા મોટા નિર્ણયો હોય કે ઇમર્જન્સી દરમિયાન અવાજ બુલંદ કરવાનો મુદ્દો હોય. ફર્નાન્ડિઝ ૧૯૯૮થી ર૦૦૪ દરમિયાન દેશના સંરક્ષણ પ્રધાન રહ્યા હતા.
૧૯૭૪માં ફર્નાન્ડિઝ ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના પ્રમુુખ હતા ત્યારે ઐતિહાસિક રેલવે હડતાળ પડી હતી. ર૦૦૪માં કોફિન કૌભાંડ સામે આવ્યા બાદ ફર્નાન્ડિઝને સંરક્ષણ પ્રધાનપદેથી રાજીનામું આપવું પડયું હતું. પાછળથી બે અલગ અલગ કમિશન ઓફ ઇન્કવાયરીમાં તેમને દોષમુકત જાહેર કરવામાં આવ્યા હતા.
રાજ્યસભાના સાંસદ તરીકે સંસદમાં તેમનો આખરી કાર્યકાળ ઓગસ્ટ ર૦૦૯થી જુલાઇ ર૦૧૦ સુધીનો હતો. મૂળ મેંગલુરુના રહેવાસી ફર્નાન્ડિઝે સમતા પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ કટોકટી વિરુદ્ધ અવાજ બુલંદ કરનાર એક યોદ્ધા અને સિવિલ રાઇટસ એક્ટિવિસ્ટ તરીકે ચર્ચામાં રહ્યા હતા. ૧૯૭૭થી ૧૯૮૦ દરમિયાન મોરારજી દેસાઇની જનતા પાર્ટી સરકારમાં પણ તેઓ કેન્દ્રીય પ્રધાન હતા.
૩ જૂન ૧૯૩૦ના રોજ જન્મેેલા જ્યોર્જ ફર્નાન્ડિઝ ૧૦ ભાષાના જાણકાર હતા. તેમને હિંદી, અંગ્રેજી, તમિલ, મરાઠી, કન્નડ, ઉર્દૂ, મલયાલી, તેલુગુુ, કોંકણી અને લેટિન સહિતની ભાષાઓનું જ્ઞાન હતું. તેમનાં માતા કિંગ જ્યોર્જ પાંચમાના ખૂબ જ પ્રશંસક હતાં અને તેમનાં નામ પર તેમણે પોતાનાં છ સંતાનોમાં સાૈથી મોટા સંતાનનું નામ જ્યોર્જ રાખ્યું હતું.
જયોર્જ ફર્નાન્ડિઝ ટ્રેડ યુનિયનના ભૂતપૂર્વ નેતા અને પત્રકાર પણ હતા. તેઓ રાજ્યસભા અને લોકસભાના સભ્ય પણ રહી ચૂકયા હતા. જ્યોર્જ ફર્નાન્ડિઝ બિહારના મુઝફ્ફરપુરની બેઠક પરથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. મેંગલુરુમાં તેમનો ઉછેર થયો હતો.
ફર્નાન્ડિઝ જ્યારે ૧૬ વર્ષના થયા ત્યારે તેમને એક ક્રિશ્ચિયન મિશનરીમાં પાદરી બનવા માટેની તાલીમ લેવા મોકલવામાં આવ્યા હતા, પરંતુ ચર્ચનો પાખંડ જોઇને તેમનો ભ્રમ ભાંગી ગયો હતો. ૧૮ વર્ષની ઉંમરે તેમણે ચર્ચ છોડી દીધું હતું અને તેઓ રોજગારની શોધમાં મુંબઇ આવી ગયા હતા.