– બજારમાં ઘઉંની ઉપલબ્ધતા ઘટી જતા ભાવમાં ઉછાળો
વર્તમાન વર્ષની રવી મોસમમાં દેશમાં ઘઉંનું વાવેતર સરકારના અંદાજ કરતા ઓછામાં ઓછા દસ ટકા નીચું રહ્યું છે. નીચા ઉત્પાદનને પગલે ઘઉંના ભાવમાં છેલ્લા બે મહિનામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ઘઉં ઉત્પાદન સરકારના દાવા કરતા નીચું જોવા મળી રહ્યું છે.
સતત બીજા વર્ષે ઘઉંના નીચા ઉત્પાદનને કારણે ખાધાખોરાકીના ફુગાવાને નિયંત્રણમાં રાખવાનું સરકાર માટે કપરું બની રહેશે.
બજારમાં ઘઉંની ઉપલબ્ધતા ઘણી જ નીચી છે અને વર્તમાન વર્ષનો ઘઉં ઉત્પાદન આંક ૧૦.૧૦ થી ૧૦.૩૦ કરોડ ટન્સ રહ્યાની રોલર ફલોર મિલર્સ’ ફેડરેશન વતિ ધારણાં મૂકવામાં આવી છે. ભારતનો ઘઉંનો વાર્ષિક વપરાશ ૧૦.૮૦ કરોડ ટન્સ આસપાસ રહે છે.
સામાન્ય રીતે ખેડૂતો માર્ચથી ઘઉંની લણણીની કામગીરી શરૂ કરે છે અને જુન સુધીમાં વેચાણ પૂરું કરે છે. ખેડૂતો પોતાના ઘઉં સરકારી એજન્સીઓ તથા ખાનગી ટ્રેડરોને વેચે છે.
ખેડૂતો પાસેથી માલનો પૂરવઠો ઘટી ગયો છે, જે સરકારના ઘઉં ઉત્પાદન અંદાજ સામે પ્રશ્ન ઊભો કરે છે, એમ ફેડરેશનના સુત્રોએ જણાવ્યું હતું. સરકારની ધારણાં પ્રમાણે ૨૦૨૩માં દેશનું ઘઉં ઉત્પાદન ૧૧.૨૭ કરોડ ટન્સ રહ્યું છે.
છેલ્લા બે મહિનામાં ઘઉંના ભાવ દસ ટકા વધી મુખ્ય મંડીઓમાં પ્રતિ ટન ૨૫૦૦૦ રૂપિયા આસપાસ પહોંચી ગયા છે. દેશમાં ઘઉંની અછતને ધ્યાનમાં રાખી સરકારે તેની સ્ટોક લિમિટ લાગુ કરી છે.
ફેબુ્રઆરી તથા માર્ચમાં હીટવેવ અને એપ્રિલમાં કમોસમી વરસાદે ઘઉંના ઉત્પાદન પર અસર કરી છે, જેનો અંદાજ મેળવવામાં સરકાર કદાચ નિષ્ફળ રહી છે, એમ બજારના સુત્રો જણાવી રહ્યા છે.
નવી મોસમમાં સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૨.૬૨ કરોડ ટન્સ ઘઉંની ખરીદી કરી છે,જે પ્રારંભિક ૩.૪૧ કરોડ ટન્સના ટાર્ગેટથી ઓછી છે.