દક્ષિણ ગુજરાતમાં ઉંમરપાડામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ અને માંગરોળમાં ૧૮ ઇંચથી વધુ વરસાદ : ૨૪ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો
અમદાવાદ, તા.૫
દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ભરુચ અને નર્મદાના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે. ગુજરાત ઉપર મોનસુન જારદારરીતે સક્રિય થયેલું છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થયો છે. હાલમાં વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં ઉંમરપાડામાં ૨૩ અને માંગરોળમાં ૧૮ ઇંચથી વધુ વરસાદ થયો છે. આજે પણ સવારમાં ચાર કલાકના ગાળામાં ડાંગના વધઇ તાલુકામાં આઠ ઇંચથી વધુ વરસાદ થયો હતો. નવસારી વાસંદામાં પણ આઠ ઇંચ વરસાદ થયો હતો. ૪૯ તાલુકાઓમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. આહવામાં ચાર ઇંચ, ડોલવણમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ આજે પણ થઇ ચુક્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ધમરોળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. હાલ દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે અને તંત્ર પણ દોડધામ કરી રહ્યું છે. આજે સવારે પણ દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર મુજબ, નવસારીના વાંસદામાં સવારના ૬થી ૮ વાગ્યા વચ્ચે ૧૫૦ મિમિ એટલે કે માત્ર બે કલાકમાં ૬ ઈંચ અને ૮થી ૧૦ વાગ્યા સુધીમાં ૫૭ મિમિ વરસાદ પડ્યો હતો. આમ વાંસદામાં ચાર કલાકમાં જ ૮ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે હવામાન વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનામાં ૯૯ ટકા વરસાદ થવાનું અનુમાન કરવામા આવ્યું છે. આ સાથે જ રાજયમાં અત્યાર સુધીમાં સીઝનનો ૬૧.૫૫ ટકાથી વધુ વરસાદ પડયો છે. રાજયના કુલ ૩૦થી વધુ જિલ્લાઓમાં ૧૭૦થી વધુ તાલુકામાં ૩૩ મિમિ વરસાદ નોંધાયો હતો. જ્યારે ડાંગના વઘઈ તાલુકામાં સવારના ૬થી ૮ વાગ્યા વચ્ચે ૫૦ મિમિ એટલે કે બે ઈંચ અને ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં ૧૫૦ મિમિ એટલે કે ૬ ઈંચ વરસાદ પડ્યો હતો. આમ ચાર કલાકમાં જ વઘઈમાં ૮ ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય સવારના ૬થી ૧૦ વાગ્યા સુધીમાં આહવામાં ૯૩ મિમિ એટલે કે ૪ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ જિલ્લાના ૧૭૦ તાલુકામાં ૩૩ મિમિ જેટલો વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો ૬૧.૫૫ ટકા વરસાદ પડ્યો છે. ચાલુ સીઝનમાં રાજ્યના ૩૦ તાલુકામાં ૪૦ ઈંચ, ૪૫ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ, ૧૦૮ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ, ૫૪ તાલુકામાં ૫થી ૧૦ ઈંચ, ૧૩ તાલુકામાં બેથી પાંચ ઈંચ અને એક તાલુકામાં બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વધુ ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર-પૂર્વ બંગાળ પર લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં નર્મદા, ભરૂચ, વલસાડ, સુરત, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના જળ સંપત્તિ વિભાગના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, મધ્ય ગુજરાતમાં આવેલા ૧૭ ડેમોમાં ૪૫.૩૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહીત થયો છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૩૮.૩૧ ટકા પાણીનો સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના ડેમમાં હજુ પાણીની કોઈ ખાસ આવક થઈ નથી. અહીંના ૧૫ ડેમોમાં ૪૫.૩૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે.