આગામી મંગળવારે આસો સુદ ૧૦ ને વિજયાદશમી (દશેરા) પર્વની ઉજવણી થશે. જાણીતા જ્યોતિષ રાવલના જણાવ્યા અનુસાર વસંત પંચમી, ગુડી પડવો, નૂતન વર્ષ, રથયાત્રા સાથે દશેરાના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે વણજોયું કે વણમાગ્યું મુહૂર્તની ગણના શાસ્ત્રોમાં કરવામાં આવે છે. આવા દિવસે મકાન-મિલકતના દસ્તાવેજકરણ, નવા વાહનની ખરીદી, નવા ઘરમાં ગૃહપ્રવેશ, નવા ધંધાનું ઉદ્ઘાટન મુરત કે તમામ પ્રકારની ઇલેક્ટ્રૉનિક્સ ચીજવસ્તુઓની ખરીદી કરી શકાય. આવા દિવસે વિશેષ શનિદેવ, હનુમાનજી, મંગળ ગ્રહનાની ભક્તિ-ઉપાસના સાથોસાથ કુળદેવીની ઉપાસના પણ કરતા હોય છે. આ ઉપરાંત ઘણા શ્રદ્ધાળુઓ કાલી-તારા-ષોડશી, ભૂવનેશ્વરી, ત્રિપુર, ભૈરવી, ધૂમાવતિ, બગલામુખી, માતંગી અને કમલા આ દસ મહાવિદ્યાનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરતા હોય છે. ખાસ કરીને અસ્ત્ર, શસ્ત્રની પૂજા કરવાની અનોખી પરંપરા આપણા શાસ્ત્રોમાં સમજાવેલ છે તેમ જ મીઠાઈ ખાવા-ખવડાવવાની પરંપરા અનાદિકાળથી ચાલતી આવે છે. આવા દિવસે ગ્રહગોચર પરિભ્રમણમાં ચંદ્ર મકર રાશિ- સ્વામી શનિ, શ્રવણ નક્ષત્ર સ્વામી ચંદ્ર હોવાથી કોઈ પણ કાર્ય કરવાથી વધારે દીપી ઊઠશે. વિક્રમ સંવત ૨૦૭૬ નૂતન વર્ષ માટે વેપારી વર્ગને નવા ચોપડા ખરીદવાના શુભ મુહૂર્ત નીચે દર્શાવેલ સમયે ખરીદી કરવાથી નવા વર્ષમાં વેપાર-વ્યવસાયમાં બરકત બની રહેશે.
શુભ ચોઘડિયું સવારે ૯.૩૪થી ૧૧.૦૪, લાભ ચોઘડિયું સવારે ૧૧.૦૪થી ૧૨.૩૪, અમૃત ચોઘડિયું સવારે ૧૨.૩૪થી ૧૪.૦૪, શુભ ચોઘડિયું બપોરે ૧૫.૩૫થી ૧૭.૦૫, લાભ ચોઘડિયું બપોરે ૨૦.૦૬થી ૨૧.૩૫