– સિલિકોન વેલી બેંકના ઉઠમણાં અને ક્રેડિટ સ્વિસના પતનના ઘટનાક્રમે વિશ્વભરના રોકાણકારોને ખુવાર કર્યા
– ૧૦ દિવસમાં ક્રેડિટ સ્વિસનો શેર ૭૦ ટકા, ફર્સ્ટ રિપબ્લિક બેંક ૮૨ ટકા તૂટયો
ફુગાવાને અંકુશમાં લેવા જતાં અમેરિકા, યુરોપના દેશોની સેન્ટ્રલ બેંકોના ધિરાણને અત્યંત મોંઘું બનાવી દેતાં વ્યાજ દરોમાં ટૂંકાગાળામાં તીવ્ર વધારાએ વૈશ્વિક બેંકિંગ, ફાઈનાન્શિયલ ક્ષેત્રને અસાધારણ કટોકટીમાં ધકેલી દેવા સાથે માર્ચ મહિનામાં ફાઈનાન્સ, બેંકિંગ શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે શેરોમાં રોકાણ મૂલ્યમાં એક લાખ કરોડ ડોલર એટલે કે રૂ.૮૨,૦૦,૦૦૦ કરોડનું જંગી ધોવાણ થઈ ગયું છે. ક્રેડિટ સ્વિસના શેરનો ભાવ આજે એક દિવસમાં જ ૬૫ ટકાથી વધુ તૂટી જઈ ૦.૬૬ સ્વિસ ફ્રેન્ક અને યુબીએસના શેરનો ભાવ ૮ ટકા જેટલો ઘટીને ૧૪.૩૮ સ્વિસ ફ્રેન્કના તળીયે આવી ગયો હતો.
અમેરિકા, યુરોપની બેંકોના ઉઠમણાંના શરૂ થયેલા ઘટનાક્રમમાં હવે ક્રેડિટ સ્વિસ ગુ્રપ એજી.ના યુબીએસ દ્વારા ૩.૨૫ અબજ ડોલરમાં ટેકઓવર નિર્ણય બાદ પણ સંકટ હળવું થવાના બદલે સતત વધતું રહી રોકાણકારોનો અમેરિકા અને યુરોપના દેશોની બેંકિંગ વ્યવસ્થા પરનો ભરોસો સતત ઉઠવા લાગ્યો છે. ક્રેડિટ સ્વિસના યુબીએસ દ્વારા ૩.૨૫ અબજ ડોલરમાં ટેકઓવર છતાં ક્રેડિટ સ્વિસના બોન્ડસધારકો એટલે કે રોકાણકારોના ૧૭ અબજ ડોલરના બોન્ડસનું મૂલ્ય હવે લગભગ શૂન્ય થઈ ગયું છે. એટલે કે રોકાણકારોએ નાહી નાખવું પડયું છે.
અમેરિકાની સિલિકોન વેલી બેંક(એસવીબી) સંકટમાં આવી ગયાના ૯,માર્ચ ૨૦૨૩થી શરૂ થયેલા ઘટનાક્રમ બાદ એક પછી એક અમેરિકી બેંકો ફર્સ્ટ રિપબ્લિક બેંક અને સિગ્નેચર બેંકના ભંગાણના સમાચારોએ વિશ્વના બેંકિગં-ફાઈનાન્શિયલ ક્ષેત્રેને હચમચાવી દીધા બાદ છેલ્લા એક સપ્તાહથી યુરોપના દેશોની ફાઈનાન્સ કંપનીઓ, બેંકોના સંકટે તરખાટ મચાવ્યો છે. સ્વિટ્ઝરલેન્ડની સૌથી મોટી બેંકિંગ જાયન્ટ ક્રેડિટ સ્વિસ ગુ્રપ એજી. મુશ્કેલીમાં સપડાતાં યુરોપના દેશોના બજારોમાં ફાઈનાન્શિયલ, બેંકિંગ ક્ષેત્રની કંપનીઓના શેરોમાં સતત ગાબડાં પડી રહ્યા છે. જેમાં ક્રેડિટ સ્વિસ ગુ્રપ એજીનો શેર છેલ્લા ૧૦ દિવસમાં ૭૦ ટકાથી વધુ તૂટી ગયો છે.
અમેરિકી બેંકિંગ, ફાઈનાન્સ શેરોમાં છેલ્લા ૧૦ દિવસમાં ન્યુયોર્ક શેર બજારમાં ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરનો ભાવ ૮૨.૭૮ ટકા તૂટીને ૧૮.૮૦ ડોલર, યુએસ બેનકોર્પ ૨૫.૩૭ ટકા તૂટીને ૩૩.૯૫ ડોલર, કેપિટલ વન ૧૩.૪૩ ટકા તૂટીને ૯૦.૮૫ ડોલર, બેંક ઓફ અમેરિકા કોર્પ ૧૩.૫૮ ટકા તૂટીને ૨૮.૧૪ ડોલર, વેલ્સ ફાર્ગો ૧૩.૬૫ ટકા ઘટીને ૩૭.૮૬ ડોલર, ગોલ્ડમેન સેશ ૧૧.૯૨ ટકા ઘટીને ૩૦.૭.૬૮ ડોલર, મોર્ગન સ્ટેનલી ૧૧ ટકા ઘટીને ૮૫.૫૦ ડોલર, સિટીગુ્રપ ૧૨ ટકા ઘટીને ૪૪.૬૫ ડોલર, જેપી મોર્ગન ચેઝ ૭.૪૫ ટકા ઘટીને ૧૨૭.૫૦ ડોલર આવી ગયા છે.
યુરોપના દેશોમાં શેર બજારોમાં ક્રેડિટ સ્વિસ ગુ્રપ એજી.નો ભાવ આજે ૬૨ ટકાથી વધુ તૂટી જવા સાથે છેલ્લા ૧૦ દિવસમાં ૭૦ ટકા તૂટીને ૦.૮૫ સ્વિસ ફ્રેન્ક, યુબીએસ ૧૪ ટકા ઘટીને ૧૭.૨૫ સ્વિસ ફ્રેન્ક, ડોઈશ બેંક એજી ૨૦ ટકા તૂટીને ૯.૨૦ યુરો, બીએનપી પારિબાસ ૧૭.૭૫ ટકા તૂટીને ૫૧.૫૨ યુરો, બાર્કલેઝ ૧૪.૨૫ ટકા ઘટીને ૬.૭૫, ક્રેડિટ એગ્રીકોલ ૧૨ ટકા ઘટીને ૯.૯૬, એચએસબીસી ૧૪ ટકા ઘટીને ૫૩૫ પાઉન્ડ, સોસાયટી જનરલ ૨૧.૫ ટકા તૂટીને ૨૧ યુરો, લોઈડ્સ બેંકિંગ ગુ્રપ ૧૧ ટકા ઘટીને ૪૬ પાઉન્ડના લેવલે આવી ગયા હતા. ભારતીય શેર બજારોમાં પણ બેંકિંગ, ફાઈનાન્સ શેરોની પાછળ થઈ રહેલી સતત વેચવાલીના પરિણામે રૂ.૧૦ લાખ કરોડનું ધોવાણ રોકાણકારોની સંપત્તિ માંથી થવા પામ્યું છે
સાઉદી નેશનલ બેંકે ક્રેડિટ સ્વિસના શેરોના રોકાણમાં એક અબજ ડોલર ગુમાવ્યા
ક્રેડિટ સ્વિસ સંકટમાં આવી જતાં એને ઉગારવા યુબીએસ દ્વારા ૩.૨૫ અબજ ડોલરમાં ખરીદવાના નિર્ણય છતાં એક તરફ ક્રેડિટ સ્વિસના બોન્ડધારકોનું કુલ ૧૭ અબજ ડોલર એટલે કે રૂ.૧,૪૪,૦૦૦ કરોડનું રોકાણ શૂન્ય એટલે કે કાગળિયા થઈ ગયું છે, ત્યારે બીજી તરફ સાઉદી નેશનલ બેંકે પણ ક્રેડિટ સ્વિસમાં રોકાણ એક અબજ ડોલરથી વધુ નુકશાની કરી હોવાનું જાણવા મળે છે.
એક અહેવાલ મુજબ રિયાધ સ્થિત સાઉદી નેશનલ બેંક દ્વારા ક્રેડિટ સ્વિસમાં નવેમ્બર ૨૦૨૨માં શેર દીઠ ૩.૮૨ સ્વિસ ફ્રેન્કના ભાવે ૧.૪ અબજ સ્વિસ ફ્રેન્કનું એટલે કે ૧.૫ અબજ અમરિકી ડોલરનું રોકાણ કરીને ૧૦ ટકા જેટલું હોલ્ડિંગ ધરાવતી સૌથી મોટી શેરધારક બની હતી. આ રોકાણના ૮૦ ટકા રોકાણ ધોવાઈ ગયું છે. યુબીએસ દ્વારા ક્રેડિટ સ્વિસને શેર દીઠ ૦.૭૬ સ્વિસ ફ્રેન્ક ભાવે ખરીદવાની ડીલ કરવામાં આવતાં અનેક ઈન્વેસ્ટરોની મૂડી ક્રેડિટ સ્વિસમાં ધોવાઈ ગઈ છે.
સાઉદી નેશનલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે,તેનો વ્યાપક વ્યુહ પહેલાની જેમ જ રહેશે, તેના શેરનો ભાવ આજે ૦.૫૮ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૨ મુજબ સાઉદી નેશનલ બેંકનું ક્રેડિટ સ્વિસમાં રોકાણ ક્રેડિટ સ્વિસની કુલ અસ્ક્યામતોના ૦.૫ ટકા અને તેના રોકાણ પોર્ટફોલિયોના ૧.૭ ટકા જેટલું છે.