કલંકિત નેતાઓ ચૂંટણી લડી શકે કે નહીં તે અંગેના ભવિષ્ય પર સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટો ચુકાદો આપતાં કહ્યું કે ચાર્જશીટના આધારે જનપ્રતિનિધિઓ પર કાર્યવાહી ન કરી શકાય. ચૂંટણી લડતાં રોકવા માટે માત્ર ચાર્જશીટ જ પૂરતી નથી. એટલે કે સુપ્રીમ કોર્ટે કલંકિત નેતાઓના ચૂંટણી લડવા પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. હજુ સુધી આ કાયદા મુજબ ગુનાકિય મામલામાં બે વર્ષથી વધુની સજા થયા બાદ જેલમાંથી બહાર આવ્યા પછી 6 વર્ષની અયોગ્યતાની જોગવાઈ છે, જ્યારે કે કરપ્શન અને NDPSમાં માત્ર દોષિત જાહેર થવું જ પૂરતું છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે સામાન્ય જનતાને પોતાના નેતાઓ અંગે પૂરી જાણકારી હોવી જરૂરી છે. કોર્ટે કહ્યું કે દરેક નેતાએ પોતાના ગુનાહિત રેકોર્ડની જાણકારી ચૂંટણી લડતાં પહેલાં ચૂંટણી પંચને આપવી જોઈએ. કોર્ટે કહ્યું કે આ મુદ્દે સંસદે કાયદો બનાવવો જોઈએ. આ ઉપરાંત તમામ પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાણકારી પોતાની વેબસાઈટ પર મુકવી પડશે. તો તમામ ઉમેદવારોને ચૂંટણી લડતાં પહેલાં ત્રણ વખત પ્રિન્ટ મીડિયા અને એક વખત ઈલેક્ટ્રોનિક મીડિયામાં પોતાના રેકોર્ડની વિસ્તૃત જાણકારી આપવી પડશે.
પાંચ જજની બંધારણીય બેંચ આપ્યો ચુકાદો
– પાંચ જજની બેંચ આજે રાજકારણમાં ગુનાકિય પ્રવૃતિમાં સામેલ કે આરોપી જાહેર થયેલાંઓ ચૂંટણી લડી શકે કે નહીં તે અંગેનો ચુકાદો આપ્યો હતો.
– જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આર.એફ.નરિમન, જસ્ટિસ એમ ખાનવિલકર, જસ્ટિસ ડી.વાઇ.ચંદ્રચુડ, જસ્ટિસ ઈંદુ મલ્હોત્રાની બેંચ ચુકાદો જાહેર કર્યો.
– ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
આ મુદ્દે કોણ છે અરજકર્તા
– આ મુદ્દે NGO પબ્લિક ઈન્ટરેસ્ટ ફાઉન્ડેશન, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશન જેસી લિંગદોહ અને ભાજપના વકીલ અશ્વિની ઉપાધ્યાય છે.
– આ કેસની સુનાવણી દરમિયાન માર્ચ 2016માં સુપ્રીમ કોર્ટે આ મામલો પાંચ જજની બંધારણીય બેંચને વિચાર માટે મોકલ્યો હતો.
અરજકર્તાઓની શું હતી દલીલ?
– અરજકર્તા દ્વારા માંગ કરવામાં આવી હતી કે કોઈ વ્યક્તિને ગંભીર ગુનામાં 5 વર્ષ કે તેથી વધુની સજા મળે અને કોઈ વિરૂદ્ધ આરોપ નક્કી થાય તો તેવી વ્યક્તિ કે નેતાને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવે.
– આ ઉપરાંત અરજીમાં માગ કરાઈ હતી કે જો કોઈ સાંસદ કે ધારાસભ્ય વિરૂદ્ધ આરોપ નક્કી થાય છે તો તેમનું સભ્યપદ રદ થવું જોઈએ.
શું હતી કેન્દ્ર સરકારની દલીલ
– જ્યારે કાયદો છે તો અદાલત કાયદો ન બનાવી શકે
– નવી અયોગ્યતાઓ જોડવી કોર્ટના અધિકાર ક્ષેત્રમાં નથી.
– આ સંસદનો અધિકાર અને કોર્ટ તેમાં દરમિયાનગીરી ન કરી શકે.
– ચૂંટણી પહેલાં રાજકીય વિરોધીઓ એક બીજા પર કેસ કરી શકે છે.
– ગત સુનાવણીમાં કેન્દ્ર સરકારે પોતાની દલીલમાં કહ્યું હતું કે મોટાં ભાગના મામલાઓમાં આરોપી નેતા નિર્દોષ છૂટે છે, તેથી સભ્યપદ રદ કરવા જેવાં કોઈ આદેશ ન આપવામાં આવે.
કેટલાં નેતાઓ સામે ગુનાકિય કેસ
– 1,518 નેતાઓ પર કેસ, 98 સાંસદ
– 35 પર બળાત્કાર, હત્યા અને અપહરણના આરોપ
– મહારાષ્ટ્રના 65, બિહારના 62, પશ્ચિમ બંગાળના 52 નેતાઓ પર કેસ.