દેશદાઝ, રાષ્ટ્રવાદ, ભારત પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રનું સન્માન. આ અને આવી બીજી બધી વાતો ત્યારે જ અસરકારક રીતે લોકો સુધી પહોંચે જ્યારે તેમનાં પેટ ભરાયેલાં હોય, તેમના બૅન્ક-અકાઉન્ટમાં બૅલૅન્સ હોય, સ્વાસ્થ્યની બાબતમાં કોઈ ચિંતા ન હોય, બાળકોને બેસ્ટ એજ્યુકેશન મળતું હોય અને બાળકોનું ભવિષ્ય ઉજ્જ્વળ હોય. જો આ બધું સહજ રીતે અને સરળતાથી મળતું હોય તો માણસનો રાષ્ટ્રવાદ અને ધર્મવાદ સમયસર જાગે, પણ જો આ બધા માટે લડત આપવી પડતી હોય તો બને કે રાષ્ટ્રવાદ પણ યાદ ન આવે અને ધર્મવાદ પણ દૂર-દૂર સુધી કોઈને સૂઝે નહીં. આપણે કોઈ વાદ જગાવવો નથી, પણ ધારો કે એ જગાડવો હોય તો પણ એનું પેટ ભરેલું હોવું જોઈશે. યાદ રાખજો કે દેશ ત્યારે જ યાદ આવે જ્યારે પેટે ઓડકારનો અનુભવ લઈ લીધો હોય.
અત્યારે દેશમાં આર્થિક મંદીની અસર છે. અનેકને કાળઝાળ મંદી દેખાય છે તો અમુકને બદલાઈ રહેલા માર્કેટિંગની આડઅસર પણ દેખાય છે, પણ એક વાત નક્કી છે કે મંદીની વાત સૌકોઈ કરતા થઈ ગયા છે. મારું માનવું છે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટે હવે જો કોઈ અસરકારક પગલું લેવું જોઈએ તો એ આર્થિક સધ્ધરતાની દિશાનું હોવું જોઈએ. કૉર્પોરેટ ટૅક્સમાં કરેલા ઘટાડાને લીધે નૅચરલી એની હકારાત્મક અસર દેખાશે, પણ મંદીનું ભૂત હંમેશાં મોટું રહ્યું છે. મોટું અને વિકરાળ પણ. જો એ સાચું હોય તો આવાં એક કે બે પગલાંથી કોઈ ફરક નથી પડવાનો. એને માટે અનેક પગલાં લેવાં પડશે અને એ તાત્કાલિક અસરથી લેવાં પડશે, જેથી એ અસર નાનામાં નાના અને અંતિમ છેડા સુધી હકારાત્મકતા લાવવાનું કામ કરે.
એક આર્થિક નિષ્ણાત પાસેથી એક વખત સાંભળ્યું હતું કે તેજી હંમેશાં ધીમે-ધીમે આવે, જ્યારે મંદી હંમેશાં ધીમે-ધીમે જાય, કારણ કે મંદીથી ડર પ્રસરી જતો હોય છે. જો એક વખત મંદીએ હાઉ ઊભો કરી દીધો તો એ મનમાંથી જતો નથી. ખરીદારી અટકી જતી હોય છે અને એવું બને તો પૈસાનું રોટેશન પણ અટકવાનું શરૂ થઈ જાય. આવા સમયે મંદીનો હાઉ દેશવાસીઓના મનમાં વધારે ખરાબ રીતે ઘર કરે એ પહેલાં જ આર્થિક સુધારાની નીતિને વધારે ફાસ્ટ કરવાની જરૂર છે જેથી હકારાત્મકતા માર્કેટમાં આવે અને એ હકારાત્મકતા વચ્ચે લોકોના મનમાંથી મંદીનો ભય નીકળે. મંદી ભયાનક છે. અઢળક લોકોને બેકાર કરવાની ક્ષમતા ધરાવે છે. જો એવું બને તો એની સીધી અસર કેન્દ્ર સરકારે ભોગવવાની આવે છે. આ અગાઉ કૉન્ગ્રેસની સરકારે અને કૉન્ગ્રેસની ગઠબંધનની સરકારે પણ એ અસર જોઈ જ છે અને એ જોયેલી એ અસરને લીધે સરકાર ગુમાવ્યાનું પણ બન્યું છે. પૈસો ફરતો રહેવો જોઈએ. જો પૈસો ફરતો અટકે તો એનાથી અર્થતંત્રનું ચક્કર ફરતું અટકી જાય છે અને જ્યારે પણ એ ચક્કર અટક્યું છે ત્યારે એણે ત્રાહિમામ પોકારાવ્યું છે.
અર્થતંત્રને વધારે ઝડપથી દોડતું કરવા માટે કેન્દ્ર સરકારે એક નહીં, અનેક રસ્તાઓ વાપરવા પડશે. જે રીતે શૅરબજારમાં બે દિવસમાં જીવ ભરી દીધો એ જ રીતે, ગણતરીના કલાકોમાં બીજી માર્કેટમાં પણ જીવ નાખવો પડશે, એને ઢંઢોળવું પડશે અને એને જગાડીને ભાગતું કરવું પડશે. વિકાસની વાત ત્યારે જ અર્થસભર લાગે છે જ્યારે વિકાસનું સુખ સૌકોઈના ચહેરા પર દેખાતું હોય અને એ સુખની હકારાત્મકતા સૌકોઈના હૈયામાં સ્ફુરતી હોય.