ગુજરાતના ખેડૂતો ઝેરી રસાયણ મુકત એવી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીને
સમૃદ્ધ બને સાથે રાજયની ધરતી વધુ ફળદ્રુપ અને ‘સુફલામ’ બને તે માટે રાજયપાલ
આચાર્ય દેવવ્રતજીએ અભિયાન ઉપાડયું છે. રાજયમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક
ખેતી અંગે જાગૃતિ કેળવે તેના ફાયદાથી માહિતગાર થઈને તેનો લાભ ઉઠાવે અને
ઝીરો બજેટ ખેતી કરતા થાય તે માટે જિલ્લે-જિલ્લે અને તાલુકે-તાલુકે સઘન તાલીમ
આપવામાં આવે છે.
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો, છેલ્લા ચાર વર્ષમાં ૧.૨૮ લાખથી વધુ
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં આત્મા (એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) દ્વારા પ્રાકૃતિક
ખેતી અંગે ખેડૂતો તાલીમ આપવાનું આયોજન કરવામાં આવે છે.
આત્મા-અમદાવાદના પ્રોજેકટ ડાયરેકટર કે.કે.પટેલના જણાવ્યા પ્રમાણે,
અમદાવાદ જિલ્લામાં છેલ્લાં ચાર વર્ષમાં કુલ મળીને ૧,૨૮,૧૧૪ ખેડૂતોને પ્રાકૃતિક
ખેતી અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ૯,૧૯૪
ખેડૂતો, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૬,૨૧૪ ખેડૂતો, વર્ષ ૨૦૨૩-૨૪માં ૮૫,૪૮૯, જયારે
ચાલુ વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ૭૨૧૭ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ છે.