ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં મોસમનો વરસાદ હજુ ૫૫ ટકાએ પણ પહોંચ્યો નથી. ત્યારે શુક્રવારે થયેલી મેઘ મહેરથી ઉભા પાકને જાણે જીવનદાન મળી ગયું છે. જિલ્લામાં ૧૫૫૦૫ હેક્ટર સાથે દિવેલાનું વાવેતર વધવામાં છે. પરંતુ ડાંગર, મગફળી અને કપાસના વાવેતરમાં સામાન્ય વધારો નોંધાવાની સાથે કુલ વાવેતર ૮૯ ટકાએ પહોંચ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષની વાવેતરની સરેરાશ સામે હજુ હજુ ૧૪ હજાર હેક્ટરમાં વાવેતર બાકી છે.ખેતીવાડી શાખાના સુત્રોના જણાવવા પ્રમાણે જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની ખરીફ પાકના વાવેતરની સરેરાશ ૧,૨૭,૦૮૬ હેક્ટરની છે. તેની સામે અત્યાર સુધીમાં ૧,૧૩,૨૦૩ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યુ હોવાથી હજુ ૧૧ ટકા વાવેતર બાકી રહ્યું છે. ત્યારે દહેગામ તાલુકામાં ૯૧ ટકા વિસ્તાર સાથે ૩૭,૧૧૬ હેક્ટરમાં, કલોલ તાલુકામાં ૯૦ ટકા વિસ્તાર સાથે ૨૪,૦૪૭ હેક્ટરમાં, ગાંધીનગર તાલુકામાં ૮૭ ટકા વિસ્તાર સાથે ૨૭,૯૯૧ હેક્ટરમાં અને માણસા તાલુકામાં પણ ૮૭ ટકા વિસ્તાર સાથે ૨૪,૦૪૯ હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.ખરીફ મોસમમાં મુખ્ય પાક ગણાતાં કપાસનું વાવેતર ૧૯,૨૨૫ હેક્ટરમાં, મગફળીનું વાવેતર ૧૫,૮૭૮ હેક્ટરમાં, દિવેલાનું વાવેતર ૧૫,૫૦૫ હેક્ટરમાં અને ડાંગરનું વાવેતર ૧૧,૭૪૩ હેક્ટર વિસ્તાર સુધી પહોંચ્યુ છે. આ ઉપરાંત ગુવારનું વાવેતર પણ ૩,૫૮૨ હેક્ટરમાં થયાનું નોંધવામાં આવ્યું છે. જ્યારે ઘાસચારનું વાવેતર ૩૦,૯૮૩ હેક્ટરમાં ખેડૂતોએ કર્યું છે.