કચ્છમાં વરસાદ વરસવાનો આંક વર્ષોથી અનિયમિત રહ્યો છે. જોકે ગત વર્ષ 764 મી.મી.ની સામે હજુ ચોમાસાના મધ્યાહ્નની સ્થિતિ જોઈએ તો ગત વર્ષ 2023 ની તુલનાએ અડધો 416 મી.મી. વરસી જતાં સરેરાશ જળવાઈ રહેશે તેવું મનાઈ રહ્યું છે. ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં સૌથી વધુ મુન્દ્રા તાલુકામાં 755 મિ.મી (30 ઈંચ) જ્યારે સૌથી ઓછો વરસાદ ભચાઉ તાલુકામાં 197 મિ.મી (આઠ ઇંચ) નોંધાવા પામ્યો છે. ગત વર્ષે બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ જુન માસમાં જ 100 ટકા વરસાદ વરસી ગયો હતો. જ્યારે આ વર્ષે વરસાદે સમયસર હાજરી પુરાવી છે પરંતુ હજુ ચારથી પાંચ તાલુકામાં અપૂરતો વરસાદ પડયો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તાલુકાવાર સૌથી વધુ વરસાદ મુંદરામાં 755 મી.મી. (30 ઈંચ), માંડવીમાં 634 (25.60 ઈંચ), નખત્રાણામાં 495 (20 ઈંચ), અંજારમાં 483 (19.60) ઈંચ ગાંધીધામ 402 મી.મી. (16 ઈંચ), અબડાસા 396 (16 ઈંચ), ભુજ 317 (13 ઈંચ), લખપત 247 (10 ઈંચ), રાપર 234 (9.6 ઈંચ) અને સૌથી ઓછો 197 મી.મી. (8 ઈંચ) ભચાઉમાં નોંધાયો છે.
ગત છ વર્ષના વરસાદની સરેરાશ પર નજર કરીએ તો 2022માં 849 મી.મી. તો 2021માં ઘટીને 511 મી.મી. પડયો હતો. તેની પૂર્વે 2020માં ભારે વરસાદ પડતાં સરેરાશ બમણાથી વધુ 1162 મી.મી. એ પહોંચી ગઈ હતી. 2019માં 746 મી.મી. અને તે પૂર્વે 2018માં ખૂબ જ ઓછો માત્ર 111 મી.મી. જ સરેરાશ નોંધાયો હતો. ગત જુનમાં 106.6 મી.મી. તોજુલાઈમાં 309.4 મી.મી. સાથે પહેલી ઓગષ્ટના બપોર સુધી 416 મી.મી. નોંધાયો છે.