ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના લીલીયામાં 3.5 ઈંચ વરસાદ, સુરત શહેરમાં પણ 3.5 ઈંચ વરસાદ, વડોદરામાં 3.5 ઈંચ વરસાદ અને નવસારીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 57 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (26 સપ્ટેમ્બર) વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી રેડ એલર્ટ છે. ભાવનગર, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા સુરત અને તાપીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળ તેમજ અરબ સાગરના ભેજના કારણે મુંબઈ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી સિસ્ટમ સક્રિય રહેશે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. આ દરમિયાન કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ સિવાય દાહોદ, પંચમહાલ, વડોદરા, અમરેલી, ભાવનગર અને બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતા રહેશે.