દેશમાં શનિવારે વહેલી સવારે વધુ એક ટ્રેન અકસ્માત સર્જાયો છે. વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ૨૦ ડબા કાનપુરમાં ગોવિંદપુરી સ્ટેશન નજીક શનિવારે વહેલી સવારે ૨.૩૦ કલાકે ખડી પડયા હતા. જોકે, આ અકસ્માત નહીં પરંતુ ટ્રેનને ઉથલાવી મોટી જાનહાની કરવાનું કાવતરું હોવાનો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આક્ષેપ કર્યો છે. ટ્રેનના ડ્રાઈવરે કહ્યું છે કે પાટા પર મોટો પથ્થર ગોઠવાયેલો હતો, જે એન્જિનને અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં જાનહાની થઈ નથી. વારાણસી-અમદાવાદ ટ્રેનના ૨૦ ડબા કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે અંદાજે ૨.૩૫ કલાકે ખડી પડયા હતા. જોકે, કોઈ જાનહાની થઈ નહોતી. કોઈ પ્રવાસી કે કર્મચારીને ઈજા થઈ નથી. ઉત્તર પ્રદેશ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાના પગલે સાત ટ્રેનો રદ કરાઈ હતી અને ત્રણને અન્ય રૂટ પર ડાયવર્ટ કરાઈ હતી.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનને મોટા પથ્થર જેવી વસ્તુ અથડાતા ડબા ટ્રેક પરથી ખડી પડયા હતા. કોઈ તિક્ષ્ણ વસ્તુ એન્જિનને અથડાઈ હોવાનું જણાયું છે. પુરાવાને સુરક્ષિત રખાયા છે. આઈબી અને યુપી પોલીસ તેના પર કામ કરી રહ્યા છે. કોઈ પ્રવાસી અથવા કર્મચારીને ઈજા થઈ નથી. પ્રવાસીઓના અમદાવાદ તરફના આગળના પ્રવાસને ચાલુ રાખવા માટે ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે.રેલવે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અસામાજિક તત્વોએ ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાનું કાવતરું ઘડયું હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાય છે. લોકો પાયલોટે કહ્યું કે, કેટલાક બોલ્ડર (મોટા પથ્થર) એન્જિનના કેટલ ગાર્ડ સાથે અથડાયા હતા. આ બોલ્ડરને ટ્રેનને નુકસાન પહોંચાડવા માટે ટ્રેક પર રખાયા હતા. આ જ ટ્રેક પર પટના-ઈન્દોર ટ્રેન રાતે ૧.૨૦ કલાકે પસરા થઈ હતી અને તેને કોઈ અવરોધો નડયા નહોતા તેમ રેલવે બોર્ડના અધિકારીઓએ કહ્યું હતું. વારાણસીથી અમદાવાદ જતા એક પ્રવાસીએ કહ્યું કે, કાનપુર રેલવે સ્ટેશનથી રવાના થયા પછી ટ્રેન પાટા પરથી ખડી ગઈ હતી. ટ્રેન ધીમી હોવાથી તેના ડબા ખડી પડતાં મોટી જાનહાની થઈ નહોતી. ઉત્તર પ્રદેશ રિલિફ કમિશનર જીએસ નવીન કુમારે કહ્યું કે, પ્રવાસીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બસોની વ્યવસ્થા કરાઈ હતી. બધાને અકસ્માત સ્થળેથી નજીકના રેલવે સ્ટેશને લઈ જવાયા હતા.