UK for higher studies: બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા મેળવનારાઓમાં ભારતીયો ભલે મોખરે હોય પણ ધીમે ધીમે બ્રિટનની યુનિવર્સિટીઓમાં એડમિશન લેનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. માઇગ્રેશન પર મોટા પાયે મૂકવામાં આવેલા પ્રતિબંધોના કારણે ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટન જવાનું પસંદ કરી રહ્યા નથી.
બ્રિટનની હોમ ઑફિસના આંકડા મુજબ જૂન, 2024 સુધીમાં ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટન આવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો થયો છે. જો કે હજુ પણ ગ્રેજ્યુએટ રૂટ વિઝા મેળવનારાઓમાં ભારતીય વિદ્યાર્થીઓ ટોચ પર છે. ચાલુ વર્ષની શરુઆતથી અમલમાં આવી ગયેલા ઇમિગ્રેશનના નવા નિયમોને કારણે બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. નવા નિયમો મુજબ આશ્રિતોને બ્રિટનમાં બોલાવવા માટેના નિયમો કડક બનાવી દેવામાં આવ્યા છે. જૂન 2024 સુધીમાં 1,10,006 ભારતીય વિદ્યાર્થીઓને સ્પોન્સર્ડ સ્ટડી વિઝા આપવામાં આવ્યા છે. જે ગયા વર્ષની સરખામણીમાં 32,687 ઓછા છે. 2019થી 2023માં બ્રિટનમાં આવેલા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારત અને નાઇજિરિયાના વિદ્યાર્થીઓની સંખ્યા વધી હતી. જો કે 2023 પછી ભારતના વિદ્યાર્થીઓની સંખ્યા 23 ટકા અને નાઇજિરિયાના વિદ્યાર્થીઓની સંખ્યા 46 ટકા ઘટી છે. ઇન્ડિયા-યુકે યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ ગયા વર્ષના ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 2234 ભારતીય નાગરિકો બ્રિટન ગયા છે. આ સંખ્યા વિઝાની મહત્તમ મર્યાદા 3000 કરતાં પણ ઓછી છે.જૂન 2024ના રોજ સમાપ્ત થતાં વર્ષમાં વિદેશથી આવેલા વિદ્યાર્થીઓમાં ભારતીયો સૌથી વધારે હતા. ગ્રેજયુએટ રૂટથી બ્રિટન ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 67,529 હતી. જે આ કેટેગરીમાં મંજૂર કરાયેલા વિઝાના ફક્ત 46 ટકા જ થાય છે.