હાલમાં સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. પરંતુ કેટલાક અસમાજિક તત્ત્વો તહેવાર દરમિયાન લોકોને પરેશાન કરીને રંગમાં ભંગ પાડતા હોય છે. એવું જ કંઇક તેલંગાણામાં બન્યું છે. જ્યાં પોલીસની મહિલા સુરક્ષા વિંગે ખૈરતાબાદ બડા ગણેશ ઉત્સવ દરમિયાન મહિલા ભક્તો સાથે દુર્વ્યવહાર કરવા બદલ ઓછામાં ઓછા 285 લોકોની ધરપકડ કરી છે.પોલીસે જણાવ્યું હતું કે, આ લોકો જૂના હૈદરાબાદ શહેરમાં આયોજિત ભવ્ય ગણેશ ઉત્સવ દરમિયાન થયેલી ભીડમાં ભક્તોને પરેશાન કરી રહ્યા હતા. તેમાંથી ઘણાં મહિલાઓની છેડતી કરતા પણ પકડાયા હતા. આગળની કાનૂની કાર્યવાહી માટે આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. પોલીસ અધિકારીએ કહ્યું કે આ પ્રકારની હરકતોને કયારેય સહન કરી શકાય નહીં. હૈદરાબાદ પોલીસે લોકોને અપીલ કરી હતી કે, જો કોઈ ભીડમાં અથવા પૂજા સ્થળ પર કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ અથવા અશ્લીલ કૃત્ય કરતું જણાય તો, તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરવી.
તેલંગાણા પોલીસમાં મહિલાઓની સુરક્ષાને લઈને SHE ડિવિઝન કામ કરે છે. ગણેશ ઉત્સવ દરમિયાન આ મહિલા પોલીસની ટીમો તહેનાત કરવામાં આવી હતી. પોલીસની આ શાખા ભીડભાડવાળા વિસ્તારોમાં સંબધિત અપરાધીઓ સામે કાર્યવાહી કરે છે.ખૈરતાબાદનો આ ગણેશ ઉત્સવ આખા દેશમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં લોકો મોટી સંખ્યા ગણેશ ઉત્સવમાં ભાગ લેવા માટે આવે છે. અહીંની ગણેશ ઉત્સવ સમિતિની સ્થાપના સ્વાતંત્ર્ય સેનાની એસ શંકરૈય્યાએ કરી હતી. માહિતી અનુસાર અહીં દેશની સૌથી મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાને તૈયાર કરવામાં 66 દિવસનો સમય લાગ્યો હતો. જેની કિંમત અંદાજે 85 લાખ રૂપિયા છે. અને મૂર્તિ માટીની બનેલી છે.અગાઉ બિહારના ઔરંગાબાદ જિલ્લાના રફીગંજ વિસ્તારમાં ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન માટે નીકળેલી શોભાયાત્રા દરમિયાન એક સમુદાયના લોકોએ કથિત રીતે બીજા સમુદાય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે તંગદિલી સર્જાઈ હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક પગલાં લીધાં અને પરિસ્થિતિ પર કાબૂમાં લાવી હતી, અને સાવચેતીના ભાગ રૂપે વિસ્તારમાં વધારાની ફોર્સ પણ તહેનાત કરવામાં આવી હતી.