નડિયાદ : નાગપંચમીના દિવસે ખેડા જિલ્લામાં મેઘો મહેરબાન થયો હતો. નડિયાદ શહેરમાં ૪ ઈંચ, મહુધામાં પોણા ચાર અને કપડવંજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ સાથે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. નડિયાદ શહેરમાં ચારેય ગરનાળા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે મહેમદાવાદના જરાવત ગામે વીજળી પડતાં પશુનું મોત નિપજ્યું હતું.ખેડા જિલ્લામાં શ્રાવણ મહિનાની શરૂઆતથી મેઘરાજાએ વિદાય લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભર ચોમાસે સૂર્યના પ્રકોપથી ભેજના વાતાવરણમાં ઉકળાટ અને બફારો વધ્યો હતો. તેવામાં છેલ્લા બે દિવસથી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી. ત્યારે શુક્રવારે નાગ પંચમીના દિવસે વહેલી સવારથી જ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે નડિયાદમાં ચાર ઈંચ, મહુધામાં પોણા ચાર ઈંચ અને કપડવંજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.નડિયાદમાં ભારે વરસાદને પગલે શૈશવ હોસ્પિટલના ઢાળથી રબારીવાસ સુધીનો રોડ, વાણિયાવડ, પીજ રોડ સહિત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ શહેરના માઈ મંદિર, ખોડિયાર, શ્રેયસ અને વૈશાલી ગરનાળા વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા. જેથી શહેર બે ભાગોમાં વહેંચાઈ ગયું હતું અને પૂર્વથી પશ્ચિમ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. શહેરીજનોએ મિશન રેલવે બ્રિજ અને કિડની હોસ્પિટલના બ્રિજનો ઉપયોગ કરવો પડયો હતો.