હવામાન વિભાગની આગાહી વચ્ચે ગત 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પાટણમાં 5.1 ઇંચ, સરસ્વતીમાં 4.5 અને અબડાસામાં 4.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પાટણ શહેર સહિત જિલ્લામાં મંગળવારે મેઘરાજાએ મહેરબાની કરી હોય તેમ વહેલી સવારથી જ વરસાદે વરસવાનું શરુ કરતાં શહેરના નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યા હતા.
બે દિવસથી મેધમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે વાવેતર કરાયેલા પાકને જીવતદાન મળ્યું હોઈ ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.પાટણ શહેર સહિત જિલ્લામાં મંગળવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદે ધડબડાટી બોલાવતાં માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. નાના મોટા સૌએ વરસાદમાં પલળવાની મજા માણી આનંદ વ્યકત કર્યો હતો. પાટણ પદ્મનાભ ચાર રસ્તા નજીકની કેનાલમાં ગાબડું પડતાં આ વિસ્તારની 15થી વધુ સોસાયટીમાં પાણી ફરી વળતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.