સુરત : સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરુણોના પથ્થરમારાથી તંગદિલી સર્જાઈ હતી. રાત્રે 9 વાગ્યા બાદ 12થી 14 વર્ષના તરુણોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ 6 સગીરને પકડી પોલીસને સોંપ્યા હતા. તરુણો સહિત તમામના પિતાને પણ સગરામપુરા પોલીસ લઈ ગઈ હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળા વિખેરવા લાઠીચાર્જ કરાયો અને 10થી વધુ ટીયરગેસ છોડાયા હતા.ત્યાર બાદ આ વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. તેમજ કોમ્બિગ શરુ કરવામાં આવ્યું હતું. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.સુરતની ઘટના બાદ રાજ્યનું પોલીસ તંત્ર ઍલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્યના પોલીસ વડા આજે તમામ જિલ્લાના SP, IG તથા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે. તહેવારોના ટાળે રાજ્યમાં કોમી એકતા જળવાય અને અસાજિક તત્ત્વો સામે કડક પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવશે. તમામ જિલ્લાઓમાં શાંતિ સમિતિ સાથે બેઠક યોજાશે.