કડાણા,ઉપરવાસમાંથી પાણીની આવક થવાને લીધે કડાણા ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઇ એલર્ટ પર મુકાયો છે. મહી નદીમાં પાણી છોડાતા કાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા જણાવાયું છે.ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન કડાણા ડેમ ૧૦૦ટકા સુધી ભરાઇ જતા હાઇ એલર્ટ પર મુકાતા મંગળવારે સાંજે જ ડેમના ૭ ગેટ ખુલ્લા મુકાયા હતા. જેમાંથી ૧ લાખકયુસેક પાણી નહી નદીમાં છોડયું હતું. રાજસ્થાનના બજાજસાગર ડેમમાંથી સતત પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થતા કડાણાં ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ કડાણા ડેમ તેની મહત્તમ સપાટી ૪૧૯ ફૂટ સુધી પહોંચી ગયો છે. હવે વધારાનું પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. કડાણા ડેમના ઉપરવાસમાં બજાજ સાગરડેમ સહીતના વિસ્તારમાં પડી રહેલા સતત વરસાદના કારણે કડાણા ડેમમાં ૫૫૦૦૦ કયુસેક પાણીની આવક જોવા મળી હતી.