અમરેલી: અમરેલી જિલ્લાની શેત્રુંજી નદી સહિતની નદીઓ, વોંકળાઓ, ચેકડેમ વિસ્તારમાં ખનીજ ચોરોએ રેતીની મોટાપાયે ચોરી શરૂ કરી છે. જેની સામે ચોક્કસ કારણોસર આંખે પાટા બાંધી લીધેલા તંત્રનું નાક કાપવા તાજેતરમાં જિલ્લા પંચાયત સદસ્યે ખુદ રેતી ચોરી પકડી ખાણ ખનીજ અધિકારીઓને વાહનો આપતા નતમસ્તક થયેલા ખાણ ખનીજ વિભાગે દરોડાનો દોર ચાલુ કર્યો છે. શેત્રુંજી અને ધાતરવડી નદી વિસ્તારમાં દરોડા પાડી ૭ ટ્રેક્ટરોને રેતી સાથે પકડી પાડી મુદામાલ કબજે કર્યો છે.અમરેલીમાં ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાત દ્વારા ગેરકાયદેસર ખનિજ ચોરી રહી હોવાનો સાંસદને પત્ર લખી સ્થાનિક પ્રશાસન સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ બાદ અમરેલી જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા મોડે મોડે જાગી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે. અમરેલી તાલુકાના ગોખરવાળા તથા ચાપથળ ગામ નજીકની શેત્રુંજી નદીમાંથી ખનન કરતી ૩ ટ્રેક્ટર અને રાજુલા તાલુકાના ધાતરવડી નદીમાંથી ખાખબાઈ અને વડ ગામ નજીકથી ૪ ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યા હતા.આ ટ્રેક્ટરો ગેરકાયદેસર રીતે રેતી ચોરીમાં સંડોવાયેલા હોવાનું પણ ખૂલ્યું હતંમ અને તમામ મુદ્દામાલ મળી સ્થાનિક તંત્રએ તારીખ ૨૦ સપ્ટેમ્બરથી લઈને ૨૪ સપ્ટેમ્બર સુધીમાં કાર્યવાહી કરી ૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.