15 ઓગસ્ટના દિવસે સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે દેશભરમાં 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. ત્યારે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ આઝાદીના પર્વની ભવ્ય ઉજવણી કરાઈ. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી. આ પ્રસંગે ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જે.બી. વદર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે સાયન્સ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના આપતાં જણાવ્યું કે આપણે ભાગ્યશાળી છીએ કે સ્વતંત્ર ભારતમાં આપણો જન્મ થયો અને દેશની પ્રગતિના આપણે સાક્ષી બન્યા છીએ. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું આહ્વાન કર્યું છે. જેમાં આપણે પણ બનતો સહયોગ આપીએ. વધુમાં તેમણે કહ્યું કે વિશ્વમાં કેટલાક દેશોમાં શહેરોનો, જ્યારે કેટલાક દેશોમાં અમુક ક્ષેત્રોનો વિકાસ વધુ થયેલો જોવા મળે છે. પરંતુ ભારતમાં ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, કૃષિ હોય કે ઉદ્યોગ – દરેક રીતે સર્વસમાવેશક વિકાસ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે કોઈ પણ દેશના વિકાસમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પણ ઘણી મહત્વનો ભાગ ભજવે છે આપણને સહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કામ કરવાની તક મળી છે. આપણે શક્ય એટલા બધા પ્રયાસો કરીને સમાજને, ગુજરાતને અને દેશને વિકાસ તરફ વધુ આગળ લઈ જવા શક્ય એટલા બધા પ્રયાસ કરીએ. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સાયન્સ સિટીના કર્મચારીઓએ દેશભક્તિના ગીતો અને દેશભક્તિના ગીતો પર નૃત્ય રજૂ કર્યું હતું. જેમને સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જે.બી. વદરના હસ્તે પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યા હતા.