રાજકોટ : રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય પૈકીના આરોપી મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ અને ક્લાસ-1 અધિકારી મનસુખ ધનજીભાઈ સાગઠિયા સામે એસીબીએ કરોડોની અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કર્યો હતો. તપાસના અંતે એસીબીએ 800 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું છે.એસીબીએ મનસુખ સાગઠિયા સામે ગઇ તા. 19-6-2024 ના રોજ રૂ. 10.55 કરોડની અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કર્યો હતો. ત્યાર પછી આ કેસમાં સિટની રચના કરવામાં આવી હતી. સાગઠિયાની આ ગુનામાં એસીબીની સિટે ધરપકડ કરી તેના ભાઈની ટવીન સ્ટાર ટાવર બિલ્ડિંગમાં આવેલી ઓફિસની જડતી કરતાં રૂ. 14.84 લાખના સોના-ચાંદીના દાગીના, રૂ. 3.05 કરોડની રોકડ રકમ અને રૂ. 1.82 લાખનું વિદેશી ચલણ મળી કુલ રૂ. 17.91 કરોડની મત્તા મળી આવી હતી. આ રીતે સાગઠિયાની એકંદરે ૨૮ કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી.જો કે એસીબીની તપાસના અંતે અપ્રમાણસર મિલકતનો આંક ઘટીને રૂ. 24.31 કરોડ સુધી પહોંચ્યો છે. આ બાબતે એસીબીના સૂત્રોએ જણાવ્યું કે આરોપીની અમુક કાયદેસરની આવક મળી આવતા અપ્રમાણસર મિલકતનો આંક ઘટી ગયો છે. હાલ જે 24.31 કરોડની અપ્રમાણસર મિલકત છે તે આરોપીની કાયદેસરની આવક કરતાં 628.42 ટકા વધું છે, તે મુજબનું ચાર્જશીટ એસીબી કોર્ટમાં કરવામાં આવ્યું છે.આ ચાર્જશીટ આમ તો 800 પાનાનુ છે. પરંતુ તેમાં કુલ કાગળની સંખ્યા 16,230 છે. આ કેસમાં કુલ 78 સાહેદોના નિવેદનો એસીબીએ લીધા છે. તેની સાથે 85 દસ્તાવેજી પૂરાવાઓ રજૂ કર્યા છે. આ કેસમાં સ્પેશિયલ પીપીની પણ નિયુક્તિ કરવામાં આવી છે તે અત્રે ઉલ્લેખનીય છે.