અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે અહીં તૈયાર કરાયેલા જર્મન ડોમને હવે ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. PAL ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ક્યારે બની ઘટના? :
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
એક પીડિત શ્રમિકે જણાવી ઘટના :
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. મોટાભાગના લોકો ઈજાગ્રસ્ત હોવાને કારણે કોઈને કાંઈ સમજાઈ રહ્યું નહોતું. પછી નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સદભાગ્યે અમારી સાથે કોઈ મહિલા શ્રમિક નહોતી. હાલમાં બેની હાલત ગંભીર જણાવાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.