કે.સી. મહિન્દ્રા એજ્યુકેશન ટ્રસ્ટ (કેસીએમઇટી)એ કે.સી. મહિન્દ્રા સ્કોલર્શિપ હેઠળ 90 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એબ્રોડ માટે રૂ. 337 લાખની શિષ્યવૃત્તિ આપી છે. સ્વ. કે.સી. મહિન્દ્રા દ્વારા વર્ષ 1953માં સ્થાપિત આ શિષ્યવૃત્તિ ટ્રસ્ટ દ્વારા પ્રથમ હતું અને તે વ્યાજ-મુક્ત લોન છે, જે ઉત્કૃષ્ટ શૈક્ષણિક અને અભ્યાસેતર સિદ્ધિઓ દર્શાવનારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.ટોચના ત્રણ ફેલો જેમાં પ્રત્યેકને રૂ. 10 લાખ અપાશે. આ શિષ્યવૃત્તિ મેળવનાર રાજ પટેલ પ્રિન્સટન યુનિવર્સિટીમાં ફાઇનાન્સ, અસ્મિતા સૂદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે બાયોમેડિકલ સાયન્સ અને સાવલી ટિકલે હાર્વર્ડ યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચરનો અભ્યાસ કરશે. 55 ફેલો જેમાં પ્રત્યેક રૂ. 5 લાખ અને 32 ફેલો જેમાં પ્રત્યેક રૂ. 1 લાખની સહાય વિદેશમાં અભ્યાસ કરવા માટે મેળવશે. ટ્રસ્ટના ઇતિહાસમાં પહેલીવાર ઇન્ટરવ્યુ માટે હાજર દરેક વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મેળવશે, જે આ વર્ષના સમૂહની બેજોડ ગુણવત્તા અને પ્રતિભાને દર્શાવે છે.આ વર્ષે ટ્રસ્ટે કુલ 2354 અરજીઓ મેળવી હતી. તેમાંથી બે અરજદારો બે દિવસમાં ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રતિષ્ઠિત પેનલમાં મહિન્દ્ર ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના બોર્ડ મેમ્બર રંજન પંત, મહિન્દ્રા ગ્રૂપના ચીફ ઇન્ફર્મેશન ઓફિસર રૂચા નાણાવટી, કે.સી. મહિન્દ્રા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત દોશી, કે.સી. મહિન્દ્રા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ઉલ્હાસ યારગોપ અને એટલાસ સ્કિલટેક યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને ચાન્સેલર ડો. ઇન્દુ સહાની સામેલ હતાં.
શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોમાં 29 આઇઆઇટી ગ્રેજ્યુએટ્સ સામેલ હતાં, જ્યારે બાકીના ઉમેદવારો એસઆરસીસી, એલએસઆર, કમલા રાહેજા વિદ્યાનિધિ ઇન્સ્ટિટ્યૂટ ફોર આર્કિટેક્ચરલ એન્ડ એનવાયર્નમેન્ટલ સ્ટડીઝ, એનઆઇટી, બિટ્સ પિલાની અને નેશનલ લો સ્કૂલ જેવી અગ્રણી શૈક્ષણિક સંસ્થાનોના હતાં. ઉમેદવારોએ વિદેશની ટોચના રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટી અને કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. તેમાં હાર્વર્ડ અને સ્ટેનફોર્ડમાં દરેક 13 ઉમેદવારોનો સમાવેશ થાય છે, કાર્નેગી મેલોન ખાતે 8, ઓક્સફર્ડ અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં દરેકમાં 6, કોલંબિયા અને એમઆઈટીમાં પ્રત્યેક 5, યેલમાં 3, શિકાગો યુનિવર્સિટી, જ્હોન હોપકિન્સ અને કેમ્બ્રિજ પ્રત્યેકમાં 3, પ્રિન્સટન, જ્યોર્જિયા ટેક અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં દરેકમાં 2 ઉમેદવારો સામેલ છે.આ શિષ્યવૃત્તિ વિશે વાત કરતાં મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે, “કેસીએમઇટી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એબ્રોડ સ્કોલર્શિપ દ્વારા ભારતમાં પ્રતિભાશાળી યુવા સાથે જોડાવાનો સમૃદ્ધ અનુભવ છે, જેની હું દર વર્ષે આતુરતાથી રાહ જોઉં છું. તમામ વિદ્યાર્થીઓને મારા હૃદયપૂર્વક અભિનંદન!”