વડોદરા,તા.૧૫
ગુજરાતમાં રીક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરાયો હતો. રીક્ષાચાલકોને કપડાં ઉપર બ્લૂ (વાદળી) કલરનો એપ્રોન પહેરવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ આજે ગુજરાત સરકાર દ્વારા ઓટો રીક્ષા ચાલકો માટે વાદળી રંગના એપ્રોનને યુનિફોર્મ તરીકે ફરજીયાત કરતા વડોદરાના રીક્ષા ચાલકોએ ચડ્ડી પહેરી અનોખી રીતે વિરોધ નોંધાવી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. રીક્ષા ચાલકો આજે અર્ધનગ્ન થઇને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને રીક્ષા ડ્રાઈવર્સને ફરજીયાત યુનિફોર્મ પહેરવાનું જાહેરનામુ મુલતવી રાખવાની માંગ કરી હતી.
આજે વડોદરાના રીક્ષા ચાલકો ચડ્ડી પહેરીને જીલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને અનોખી રીતે વિરોધ કર્યો હતો અને અધિક કલેક્ટર ડી. આર. પટેલ ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે અમારા રોજગાર પર ગંભીર અસર થઈ છે. અમે અમારા બાળકોની ચડ્ડી પેન્ટ લાવી શકતા નથી તો હજારો રૂપિયાના એપ્રોન ક્યાંથી લવાશે. વાદળી યુનિફોર્મ બનાવતા પહેલા ઓટો રીક્ષા ચાલકો માટે રાહત પેકેજ જાહેર કરવા અને જો માંગ સ્વીકારાશે નહીં તો અમે આ જાહેરનામાંનું પાલન નહીં કરીએ અને એક વર્ષની મુદત આપો તેવી માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રીક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરાયો હતો. રીક્ષાચાલકોને કપડાં ઉપર બ્લૂ (વાદળી) કલરનો એપ્રોન પહેરવો પડશે. મંગળવારે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય લીધો હતો. રીક્ષાચાલકો સાથે અગાઉ બેઠક યોજાઈ ગઈ હોવાનો દાવો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો હબતો. અને આ એપ્રોન રીક્ષાચાલકોને ફરજિયાત પહેરવો જ પડશે. રીક્ષાચાલક એસોસિયેશન અને સરકાર સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે એક પરિપત્ર બહાર પાડીને આ અંગે જાણકારી આપી હતી. આ પરિપત્રમાં વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ તથા ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯ અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ રહી હતી. જેને પગલે રાજ્ય સરકારે ૧૬-૧૧-૨૦૧૯ના જાહેરનામાથી ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯માં સુધારો કરી જાહેર પરિવહનના વાહનોના ડ્રાઈવરોએ યુનિફોર્મ પહેરવાનો રહેશે તે મુજબની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ અનુસંધાને ઓટો રિક્ષા ડ્રાઈવર્સનો યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે બેઠક કરવામાં આવી હતી. આ વિવિધ બેઠકોમાં થયેલી ચર્ચા-વિચારણાના આધારે સરકારે ઓટો રીક્ષા ડ્રાઈવર્સના યુનિફોર્મ સંબંધમાં ઠરાવ કર્યો છે. આ ઠરાવ મુજબ રાજ્યના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે પહેરેલા કપડાને ઉપર વાદળી કલરના એપ્રનને યુનિફોર્મ તરીકે નક્કી કરવામાં આવે છે