14 મહિના કોર્ટો બંધ રહેતા વકીલો અન્ય નોકરી-ધંધા તરફ વળ્યાં
અમદાવાદ: લોકોના ન્યાય માટે લડતા વકીલ બેરોજગાર બન્યા છે. 14 મહિના કોર્ટો બંધ રહેતા વકીલે અન્ય નોકરી-ધંધા તરફ વળ્યાં છે. અમદાવાદમાં 14 મહિનામાં 600થી વધુ વકીલો બેરોજગાર બન્યા છે. 14 મહિનામાં 600થી વધુ વકીલોએ સનદ જમા કરાવી છે. બીજા ધંધે ચડી ગયા છે. ટ્રાયલ કોર્ટના વકીલો આર્થિક રીતે નાજુક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવાનું સિનિયર ધારાશાસ્ત્રી પ્રકાશ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તાલુકા અને જિલ્લા કક્ષાએ કોર્ટ બિલ્ડિંગ અદ્યતન બનાવેલી છે. એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત તમામ ગાઇડલાઇનનું પાલન કરાવી પહેલેથી કોર્ટ ચાલુ રાખવાની જરૂર હતી. લાંબો સમય કોર્ટ બંધ રહેતા વકીલો માટે આ સમય આર્થિક રીતે નાજુક સાબિત થયો છે.કોરોના મહામારીના કારણે ઘણા બધા ધંધા-રોજગારને મોટો ફટકો પડ્યો છે. વકીલાતનો વ્યવસાય પણ છેલ્લા 14 મહિનાથી ઠપ થઈ ગયો છે. ફિઝિકલી કોર્ટ બંધ હોવાથી રાજ્યના 98441 ધારાશાસ્ત્રીની આવક પર ફટકો પડ્યો છે, જેને કારણે તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. વર્ષ 2020-21માં 476 અને આ વર્ષે પણ અંદાજે 100 થી વધારે વકીલોએ અન્ય જગ્યાએ નોકરી ધંધા શરૂ કરી દીધા હોવાથી બાર કાઉન્સિલમાં પોતાની સનદ જમા કરાવી દીધી છે. સિનિયર ધારાશાસ્ત્રી ચેતન શાહે જણાવ્યું કે, કોરોનાના કારણે કોર્ટ બંધ હોવાથી વકીલોની આર્થિક હાલત અત્યંત કથળી ગઈ છે. વકીલોનો સામાજિક મોભો હોય છે, જેના કારણે તેઓ કોઇની જોડે હાથ લાંબો કરી શકતા નથી તેમ જ અન્ય ધંધામાં જોડાઈ શકતા નથી બાર એસોશિઅનનાં મેમ્બર, ગુલાબખાન પઠાણ જણાવે છે કે, બાર કાઉન્સિલે છેલ્લા 5 મહિનામાં કોરોનામાં સંક્રિમત થયેલા 2265 વકીલોને 3 કરોડ માંદગી સહાય પેટે ચૂકવ્યા હતા. ઉપરાંત વર્ષ 2021માં મૃત્યુ પામેલા 208 વકીલના વારસદારોને 5 કરોડ ચૂકવ્યા હતા. જ્યારે 2020માં 328 મૃતક વકીલોના વારસદારોને 9 કરોડ ચૂકવ્યા હતા. જોકે, બાર એસોશિએશન પાસે પણ ફંડ હવે રહ્યું નથી.તેમણે વધુમાં જણાવ્યું કે, નીચલી અદાલતોમાં પ્રેક્ટિસ કરતા 90થી 95 ટકા વકીલોની આર્થિક આવક પર ફટકો પડ્યો છે. નીચલી અદાલતોમાં પ્રેક્ટિસ કરતા 90થી 95 ટકા વકીલો ભીંસમાં મુકાયા છે. સરકાર પાસે બાર એસો. એ વકીલો માટે રાહત પેકેજની માંગ કરી છે. વકીલોની આર્થિક આવક પર મરણતોલ ફટકો પડ્યો છે, જેના કારણે ઘણા બધા વકીલોએ કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય વ્યવસાય તરફ જવાની ફરજ પડી છે.