આજે સવારે ચાર કલાકમાં રાજ્યના 88 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે જૂનાગઢના માળિયામાં દોઢ ઈંચ વરસાદ થયો છે. જામનગરના જામજોધપુર તાલુકાના નરમાણા ગામે બપોર બાદ આભ ફાટતાં 3 કલાકમાં 10 ઇંચ વરસાદથી ગામમાં ‘સ્થળ ત્યાં જળ’ની સ્થિતિ જોવા મળી હતી. કાલાવડમાં પણ બપોરે 2થી 6 એટલે કે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધ્રોલ અને જોડિયા તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે છોટાઉદેપુર તાલુકામાં 7.5 ઇંચ, ક્વાંટ તાલુકામાં 6.73 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્ચના 240 તાલુકામાં ચોમાસાની જમાવટ થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહીસાગર, મહેસાણા,ડાંગ, તાપી, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ખેડા, સુરત જિલ્લામાં નોંધાયો છે. સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 5 ઇંચ, મહેસાણાના ઊંઝામાં 3.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં 2 ઇંચ, કપરાડામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પંચમહાલના ગોધરામાં 3 ઇંચ, મોરવામાં 2.5 ઇંચ, જાંબુઘોડા અને શહેરમાં 3 ઇંચ ખાબક્યો હતો.હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.