શહેરના રોડ પરના સીસીટીવી કેમેરામાંથી હવે ઓવર સ્પીડના ઈ-મેમો પણ જનરેટ થશે અને રૂ.500નો દંડ ફટકારાશે. અત્યાર સુધી હેલ્મેટ, સીટબેલ્ટ, 3 સવારી, ફેન્સી-ખામીયુક્ત નંબર પ્લેટ, સિગ્નલ કે ઝિબ્રા ક્રોસિંગ ભંગ બદલ ઈ-મેમો ઈશ્યૂ થતા હતા. પરંતુ 2022ના વર્ષથી ઓવરસ્પીડમાં જતા વાહનચાલકોને પણ ઈ-મેમો મોકલી દંડ વસૂલ કરવાનું શરૂ કરાશે.
શહેરમાં વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા કલાકના 40થી 70 કિમી પ્રતિકલાકની છે, જ્યારે હાઈવે પર 100ની મર્યાદા છે. ઓવર સ્પીડમાં જતા વાહન ચાલકને રોકીને વાહનની સ્પીડ વધારે હોવાનું સાબિત કરવા ટ્રાફિક પોલીસ પાસે કોઇ ટેકનોલોજી નથી. ભૂતકાળમાં ઓવરસ્પીડના કેસ માટે ટ્રાફિક પોલીસે ઈન્ટર સેપ્ટર વાન વસાવી હતી. પરંતુ તેનાથી સફળતા મળી નહોતી.
જેથી હવે ટ્રાફિક પોલીસે રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાથી જ ઓવર સ્પીડના મેમો આપવાનું નક્કી કર્યું છે. જો કે ટ્રાફિક સિગ્નલ પર જે સીસીટીવી કેમેરા લાગેલા છે. તેમાં સીટ બેલ્ટ-હેલ્મેટની સાથે ઓવર સ્પીડમાં આવતા વાહન પણ કેદ થાય છે. પરંતુ અત્યાર સુધી ઓવરસ્પીડના ઈ-મેમો જનરેટ કરાતા નહોતા. પરંતુ હવે ટ્રાફિક પોલીસ અને મ્યુનિ.ના અધિકારીઓએ સાથે મળીને સીસીટીવી કેમેરામાંથી ઓવર સ્પીડના ઈ-મેમો જનરેટ કરશે.
રેસ કે સ્ટન્ટ કરનારાના ઘરે ફોટા સાથેનો ઈ-મેમો જશે
એસજી હાઈવે, આઈઆઈએમ રોડ, એસપી રિંગરોડ સહિતના રોડ પર યુવકો બાઈક-એક્ટિવા અને કારમાં રેસ અને સ્ટન્ટ કરે છે. જો કેે તેમની આ હરકત વિશે માતા-પિતા કશું જાણતા હોતા નથી, પરંતુ હવે રોડ પર રેસ-સ્ટન્ટ કરતાં યુવકોના ઘરે તેમના વાહન સાથેના સ્ટન્ટ કરતા ફોટાવાળા ઈ-મેમો ઘરે મોકલાશે.