કચ્છ: જિલ્લામાં ઊંટની સંખ્યા વધવાના કારણે દૂધ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. કચ્છમાં દરરોજ 3500 લીટર ઊંટડીના દૂધનું ઉત્પાદન થતાં રોજની રૂ. 1.75 લાખ જેટલી આવક ઊભી થાય છે.સામાન્યપણે કહેવાય છે કે કચ્છમાં માનવ વસ્તી કરતા પશુધનની વસ્તી વધારે છે. આ રણ પ્રદેશમાં સ્વાભાવિક રીતે ઊંટ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. જોકે પશુપાલકોને ઊંટ ઉછેર વધુ ખર્ચાળ પડતાં કચ્છમાં ઊંટ ઉછેરકોની સંખ્યા ઘટી હતી પણ 2017થી સરકાર, ઊંટ ઉછેરકો તેમજ સામાજિક સંસ્થાઓના યોગ્ય પ્રયાસ થકી કચ્છ સંભવત એકમાત્ર એવું પ્રદેશ બન્યું છે જ્યાં ઊંટની સંખ્યા ઘટવાને બદલે વધી છે.કચ્છમાં પાંચ વર્ષ પહેલાંની પશુ ગણતરી મુજબ કચ્છી અને ખા ઊંટોની કુલ સંખ્યા 11,000 હતી જે હાલ વધીને 12,000 પહોંચી છે. ઊંટડીના દૂધનો ઉત્પાદન વધારવા જિલ્લામાં બે મંડળીઓ પણ રચવામાં આવી હતી જે થકી ઊંટ ઉછેરકોને પોતાના ઊંટના દૂધનું યોગ્ય ભાવ મળી રહે છે. આવા ઊંટ પાલકો દર 15 દિવસે 20 થી 30 હજાર રૂપિયાની આવક ઊંટડીના દૂધમાંથી ઉભી કરે છે.કચ્છમાં જોવા મળતી ઊંટની ખારાઈ પ્રજાતિ પણ તેમનામાં જ એક વિશેષતા છે. મૂળ અબડાસાના મોહાડી વિસ્તારની આ નસ્લના ઊંટ પાણીમાં પણ તરી શકે છે. દુનિયાની આ એકમાત્ર પ્રજાતિ એવી છે જે રણની સાથે પાણીનું પણ વાહન છે.જિલ્લામાં દરરોજ 3,500 થી 4,000 લીટર ઊંટડીના દૂધનું ઉત્પાદન થાય છે જે માલધારીઓને રોજના રૂ. 1,75,000 થી 2,00,000 સુધીની આવક કરાવે છે. આ કારણે કચ્છના ગામડાઓની અનેક યુવા પેઢી પણ આ વ્યવસાય તરફ વળી છે. આ વ્યવસાય છોડી અન્ય નોકરી ધંધામાં પડેલા અનેક માલધારી સમાજના યુવાનો પણ હવે ફરી ઊંટ ઉછેરવા તરફ પ્રેરિત થયા છે.ઊંટડીના દૂધનું ઉત્પાદન વધારવા તરફ કામ કરતી સહજીવન સંસ્થાના કેમલ મિલ્ક પ્રોગ્રામ મેનેજર મહેન્દ્ર ભાનાણીએ News18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજસ્થાનમાં ઊંટડીનો દૂધનું રૂ. 30 પ્રતિ લીટરે પણ વેંચાણ નથી થઈ રહ્યું ત્યારે કચ્છમાં રૂ. 50 પ્રતિ લીટર રોજનું હજારો લીટર દૂધ વેંચાય છે.