‘પહેલો સગો પાડોશી’ કહેવત ખોટી ઠરી; સુરતમાં 1 વર્ષમાં બાળકી-સગીરા પર દુષ્કર્મના 41માંથી 24 કેસમાં પાડોશી-સંબંધીઓ જ

0
26
શહેરમાં સૌથી વધુ અમરોલીમાં 14, લિંબાયતમાં 8, વરાછા-સરથાણામાં 7-7 બળાત્કારના ગુના નોંધાયા
શહેરમાં સૌથી વધુ અમરોલીમાં 14, લિંબાયતમાં 8, વરાછા-સરથાણામાં 7-7 બળાત્કારના ગુના નોંધાયા

શહેરમાં છેલ્લા 1 વર્ષમાં જ નાની બાળકીઓથી લઈ કિશોરીઓ પર રેપના 41 ગુનાઓમાંથી 24 કેસમાં હવસખોરો પાડોશી જ છે. બાકી અમુક ગુનાઓમાં આરોપી તરીકે સગા બાપ કે સંબંધી માસા, ફુવાનો ભાઈ કારખાનેદાર, પ્રેમી તેમજ માજી કોર્પોરેટરનો ભત્રીજો છે. કેટલાક કેસમાં તો બાળકીને ગર્ભવતી પણ બનાવી દેવામાં આવી છે, જ્યારે અમુક કેસોમાં નોકરી અપાવવાના નામે કિશોરીઓનું શોષણ કરાતું હોવાનું પણ સામે આવ્યું છે.

નાની બાળકી પર થયેલા બળાત્કારના એક કેસમાં પાડોશી યુવક એકલો રહે છે અને બાળકી એકલી હોય તેવા સમયે તેને ચોકલેટ બિસ્કિટ, પૈસા જેવી લાલચ આપી શિકાર બનાવી હતી. પાંડેસરા અને હજીરામાં બે કિસ્સાઓમાં તો નરાધમે નાની બાળકીને પીંખી નાખી કરપીણ હત્યા પણ કરી છે. આવા કેસોમાં સુરતની કોર્ટે ફાંસીની પણ સજા ફટકારી છે.

ગુડ ટચ બેડ ટચના અભિયાન બાદ પણ શહેરમાં ઘણા ગુના નોંધાયા
ગુડ ટચ બેડ ટચના અભિયાન બાદ પણ શહેરમાં ઘણા ગુના નોંધાયા છે. ખાસ કરીને માસૂમ બાળકીઓ પર થતા બળાત્કાર અને ત્યાર બાદ તેમની હત્યા કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવા નરાધમોને બોધપાઠ ભણાવવા માટે સ્થાનિક કોર્ટ પણ ઝડપી ચુકાદા આપી રહી છે, જે એક સારું પાસું છે. જો કે, પોલીસના ચોંપડે નોંધાયેલા આંકડા જ દર્શાવી રહ્યા છે કે, બાળકી કે તરૂણીઓ પર થતાં બળાત્કારના કિસ્સાઓમાં મોટા ભાગે સગાસંબંધી કે પરિચિત વ્યક્તિ જ આરોપી હોય છે.​​​​​ખાસ કરીને શ્રમજીવીઓના વિસ્તારોમાં નાની બાળકીઓને નરાધમો સરળતાથી નિશાન બનાવી લેતા જોવા મળી રહ્યા છે, કારણ કે, અહીં માતા-પિતા મોટા ભાગે મજૂરી કામે ગયા હોવાથી તેમજ બાળકીઓ ઘરની બહાર રમતી હોવાથી તેમની દેખરેખ માટે આસપાસ ભાગ્યે જ કોઈ રહેતું હોય છે. આથી નરાધમો બાળકીઓનું અપહરણ કરી બળાત્કાર ગુજારી હત્યા કરતા પણ અચકાતા નથી. કેટલાક ગુનાઓમાં તો તરુણીને ગર્ભવતી પણ બનાવી દેવાઈ છે.