દેશના નાના રોકાણકારોને ટૂંકસમયમાં મોંઘા શેર્સ ખરીદવાની તક મળશે. રૂ. 100 જેવી નજીવી રકમમાં મોંઘા શેર્સનો નાનકડો હિસ્સો (ફ્રેક્શનલ શેર) ખરીદી શકાશે. કંપની લો કમિટીએ પોતાના રિપોર્ટમાં દેશમાં ફ્રેક્શનલ શેર્સની લે-વેચની મંજૂરી આપવા ભલામણ કરી છે. અમેરિકા, બ્રિટન અને જાપાન સહિત મોટાભાગના વિકસિત દેશોમાં ફ્રેક્શનલ શેર્સનું ટ્રેડિંગ થાય છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણને મોકલવામાં આવેલા રિપોર્ટમાં કમિટીએ કહ્યું છે કે વર્તમાન કંપની એક્ટ હેઠળ કંપનીઓને ફ્રેક્શનલ શેર જારી કરવાની મંજૂરી નથી. જો મંજૂરી આપવામાં આવશે તો રિટેલ રોકાણકારોને ઉચ્ચ મૂલ્યના શેરોમાં રોકાણ કરવાની તક મળશે. આનાથી મૂડીબજારમાં જંગી નાણાં આવશે, કારણ કે એકલા નાણાકીય વર્ષ 2020-21માં 1.42 કરોડ નવા રોકાણકારો શેરબજારમાં પ્રવેશ્યા છે.
લો કન્સલ્ટન્સી ફર્મ જે.જે. સાગર એસોસિએટ્સના પાર્ટનર આનંદ લાકરા મુજબ, “શેરબજારમાં રિટેલ રોકાણકારોની વધતી ભાગીદારીને ધ્યાનમાં રાખીને ફ્રેક્શનલ શેરના ટ્રેડિંગને મંજૂરી આપવાની ભલામણ એ એક પ્રગતિશીલ પહેલ ગણાશે. જેનાથી નાના રોકાણકારો મોટી રકમના શેર્સમાં રોકાણ કરી શકશે.
ફ્રેક્શનલ સ્ટોક રોકાણકારો-કંપનીઓ માટે લાભદાયી
- હાલમાં, ભારતમાં શેરોમાં રોકાણનું લઘુત્તમ એક શેર છે. એટલે કે કંપનીના શેરમાં રોકાણ કરવા માટે તેનો ઓછામાં ઓછો એક શેર ખરીદવો પડે છે. દેશમાં સૌથી મોંઘો શેર ટાયર કંપની MRF (રૂ. 67,500)નો છે.
- મોટા ભાગના સારા શેર્સની કિંમત ઊંચી હોય છે. જો કોઈ રોકાણકાર દર મહિને એક હજાર રૂપિયાના શેર ખરીદવા માંગે છે, તો તે રિલાયન્સ, ટીસીએસ અથવા નેસ્લેના શેર ખરીદી શકતો નથી, કારણ કે આ ત્રણ શેર એક હજાર રૂપિયા કરતાં મોંઘા છે.
- ફ્રેક્શનલ શેરમાં જેટલુ રોકાણ કરો છો, તેનાથી વધુ રિટર્ન હિસ્સા દીઠ મેળવી શકો છે. MRFના રૂ. 100નો ફ્રેક્શનલ શેર ખરીદો છો, તો તેનો 675મો હિસ્સો મળશે.
- ખરીદદારને શેરધારકોને ફ્રેક્શનલ શેરની ડિલિવરી વ્યવહારીક રીતે મળતી નથી.આવા શેર સંબંધિત કંપનીના બોર્ડ દ્વારા નિયુક્ત ટ્રસ્ટીના ખાતામાં જમા થાય છે.
ભારતીય મૂડી બજારની તસવીર બદલાશે
તાજેતરના વર્ષોમાં દેશમાં ઈક્વિટી રોકાણ વધ્યું છે, પરંતુ ભારતીયોના કુલ રોકાણમાં ઈક્વિટીનો હિસ્સો પાંચ ટકાથી ઓછો છે. એકવાર ફ્રેક્શનલ શેરના વેપારની મંજૂરી આપવામાં આવે તો આ ચિત્ર બદલાઈ શકે છે કારણ કે નાના રોકાણકારોને પણ મોંઘા શેરો ધરાવતી કંપનીઓમાં સાધારણ રોકાણ કરવાની તક મળશે.